રસોડાનો ઉંબરો ઓળંગી ખાઉગલીમાં સ્વાદ પર કબજો જમાવે છે આ ગૃહલક્ષ્મીઓ
ફૂડ બિઝનેસમાં માસ્ટર શેફની બરોબરી કરનાર આ મહિલાઓ ટાઢ, તડકો અને વરસાદમાં પણ બપોરે ચાર વાગ્યાથી લઈને મોડી રાત સુધી કામમાં રહે છે વ્યસ્ત
મુંબઈથી રાજકોટ વેકેશન કરવા આવેલ પોતાની બહેન અને બાળકોને લઈને પૂજાબેન ખરીદી માટે નીકળ્યા છે. રસ્તામાં ભૂખ લાગતા તેઓ પોતાની મનપસંદ ફાસ્ટ ફૂડની લારી પાસે આવે છે.બર્ગર,પીઝા અને જંગલી સેન્ડવીચનો ઓર્ડર આપે છે.ફાસ્ટ ફૂડ બનાવનાર એ મહિલા ખૂબ જ સ્ફૂર્તિથી એક પછી એક ઓર્ડર પૂરા કરી ટેબલ પર વાનગી પીરસે છે. વાનગીનો આસ્વાદ માણતા પૂજાબેન પોતાની બહેનને કહે છે કે અહીં આ બેનની વાનગીનો સ્વાદ સરસ હોય છે તેમજ સ્વચ્છતા જાળવે છે અને ભાવ પણ એકદમ વ્યાજબી રાખે છે. આ દૃશ્ય છે. રાજકોટ ભક્તિનગર સર્કલ નજીક આવેલ ખાઉગલી વિસ્તારનું જ્યાં જુદી જુદી વાનગીઓની 50 જેટલી લારીઓ ઉભી રહે છે. અહીંની ખાસ વાત એ છે કે મોટા ભાગની લારી મહિલાઓ દ્વારા સંભાળવામાં આવે છે.પાણીપુરી,પિત્ઝા,બર્ગર, સેન્ડવીચ, વડાપાઊં કે પછી ઢોસા હોય બધી જ વાનગી મહિલા દ્વારા બનાવવામાં અને વેચવામાં આવે છે. ઘરેથી અમુક વસ્તુ બનાવીને લાવે અને અહીં બનાવીને ગરમ ગરમ પીરસે છે. ફૂડ બિઝનેસમાં તેઓ કોઈ માસ્ટર શેફથી કમ નથી. ટાઢ,તડકો કે વરસાદ હોય બપોરે ચાર વાગ્યાથી લઈને મોડી રાત સુધી તેઓ અહીં કામમાં વ્યસ્ત રહે છે.
દરેક મહિલાઓ જુદા જુદા કારણસર આ બિઝનેસમાં આવ્યા છે પરંતુ દરેકનું ધ્યેય બે પૈસા કમાઈને પગભર બનવાનું અને આવનાર ગ્રાહકને સ્વચ્છતા સાથે સ્વાદની સફર કરાવવાનું છે. એમડી સેન્ડવીચના નામથી બિઝનેસ કરતા ડિમ્પલબેન જાદવના પતિ રમેશભાઈ જાદવને દૂધની ડેરી છે. મોંઘવારીમાં પતિને સપોર્ટ કરવાના હેતુથી તેઓએ આ કામ શરૂૂ કર્યું છે.તેઓ જણાવે છે કે, અમારા સમાજમાં મહિલાઓ બહારનું કામ ઓછું કરે પરંતુ પતિ અને પરિવારનો સપોર્ટ છે એટલે કામ કરી શકું છું.14 વર્ષનો દીકરો મોદી સ્કૂલમાં નવમા ધોરણમાં ભણે છે અને છ વર્ષની દીકરી પંચનાથ સ્કૂલમાં ભણે છે.
મોડી રાત સુધી કામ કર્યા પછી સવારે વહેલા ઉઠી બાળકોને સ્કૂલે મોકલવા, ઘરની રસોઈ, ફાસ્ટ ફૂડની તૈયારી વગેરે આખો દિવસ ચાલે છે આમ છતાં આ કામમાં આનંદ આવે છે. તેઓને ત્રણ લારી છે જેમાં એક પોતે સંભાળે છે,એક દીકરો અને એક જેઠ સંભાળે છે.રાત્રે પતિ પણ મદદ કરવા આવી જાય છે.ડિમ્પલ બેનનું માનવું છે કે મોંઘવારીમાં પતિ પત્ની બંને કામ કરે તો ઘર વધુ સારી રીતે ચાલી શકે.
ઉના દીવથી આવેલ નેહાબેન દુબ્બલ 1 વર્ષથી અહીં આવ્યા છે. દીવમાં પણ તેઓ ફૂડ બિઝનેસમાં જ હતા. અહીં તેઓ મારુતિ ફાસ્ટ ફૂડમાં વડાપાઉં, ટીકીપાઉં, પાસ્તા, મેગી વગેરે બનાવે છે. રાજકોટમાં સૌથી ઓછા ભાવે મેગી વેચવાનો દાવો કરતા તેઓ જણાવે છે કે, અહીં આવનાર દરેક વ્યક્તિ વાનગીનો સ્વાદ ચાખી શકે તે માટે બધી જ ડીશ લો પ્રાઈસમાં રાખેલ છે. પાંચ વર્ષના દીકરાની જવાબદારી તેમજ બીમાર સાસુની જવાબદારી હોવા છતાં પતિ નંદકિશોરભાઈ દુબ્બલના સપોર્ટથી તેઓ આ કામ કરી રહ્યા છે.તેમની એક ફરિયાદ છે કે રાજકોટના લોકો જેનું નામ ફેમસ હોય ત્યાં વધુ જાય છે તેથી હજુ અમારે ઘણી મહેનત કરવાની છે. રવિવાર, તહેવારોના દિવસો તેમજ વેકેશનમાં સારું રહે છે પરંતુ મહેનત કરીશું તો ભગવાન ચોક્કસ ફળ આપશે તેથી અમે ક્યારેય નિરાશ થતાં નથી.
ભાવનગરથી આવેલ પૂજાબેન દવે છ મહિનાથી દામાજી ફૂડ્સ ચલાવે છે. પતિ વિશાલભાઈ દવે ફેબ્રિકેશનનું કામ કરે છે. પૂજાબેનને અલંગમાં ખૂબ સારી જોબ હતી પરંતુ પરિવારની જવાબદારી અને દીકરીની બીમારીના કારણે જોબ છોડવી પડી. માતા-પિતા રાજકોટ હોવાથી અહીં આવ્યા અને એકડે એકથી કામ શરૂૂ કર્યું. થોડા સમયમાં પપ્પાએ પણ વિદાય લીધી. પૂજાબેન જણાવે છે કે, સંઘર્ષ હજુ પણ ચાલુ છે, શરૂૂઆત છે એટલે બિઝનેસ ધીમે ધીમે ચાલે છે. નવી નવી આઈટમ વધારતા જઈએ છીએ. હેલ્ધી કોન્સેપ્ટમાં અપ્પમની માંગ વધુ છે. શાળા કોલેજ તેમજ કીટી પાર્ટીના ઓર્ડર પણ લઈએ છીએ. અહીંના વાતાવરણ વિશે તેઓ જણાવે છે કે, માણસો ખૂબ જ સારા અને વ્યવસ્થિત આવે છે પરંતુ ક્યારેક જો કોઈ એવી વ્યક્તિ આવે તો આંખ પણ દેખાડવી પડે છે. નાનો માણસ પણ ખાધા વગર પાછો ન જાય તે માટે દરેક ડીશના ભાવ વ્યાજબી રાખેલા છે.અહીં ઘણી બધી મહિલાઓ કામ કરે છે પરંતુ બાથરૂૂમની વ્યવસ્થા નથી તો એ બાબત તેઓને રજુઆત કરવી છે.
અહીં વડાપાઉં અને દાબેલી બનાવતા બીનાબેન હિંડોચા 19 વર્ષથી પતિ ચેતનભાઈ હિંડોચા સાથે ફાસ્ટ ફૂડના બિઝનેસમાં છે અને 3 વર્ષથી પોતે જય જલારામ નામથી વડાપાઊં,દાબેલી બનાવે છે. તેઓ જણાવે છે કે, આ બિઝનેસની દરેક વસ્તુ પતિએ શીખવી છે તેમનો ખૂબ સાથ છે. સવારે રસોઈ બનાવવાની સાથે ફાસ્ટ ફૂડ અને વડાપાઊં બંને બિઝનેસ માટેની તૈયારી કરી લઉં છું. બપોરે ચાર વાગે અહીં આવી જાઉં છું અને રાત સુધી કામ ચાલતું રહે છે. મને આ રીતે કામ કરતા જોઈને અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળે છે અહીં આજુબાજુના બધા જ લોકો સંપીને રહે છે અને કોઈ મુશ્કેલી આવે ત્યારે એક થઈ જાય છે. સંઘર્ષ તો જીવનમાં આવવાનો જ છે પણ નિરાશ થવાનું નથી.
એક સમયે સુરતમાં નામી કંપનીમાં નોકરી કરતા તુલસીબેન જાવિયા પતિ મુમુક્ષુ જાવિયા સાથે જલારામ પાણીપુરી નામથી લોકોને વિવિધ પાણીપુરી અને ચાટનો સ્વાદ કરાવે છે.પોતે 12 ધોરણ સુધી ભણેલ છે અને પતિએ બીબીએ કરેલ છે.બંને નાનપણથી સાથે જ છે બંનેએ નોકરી કરવાના બદલે બિઝનેસ કરવાનું નક્કી કર્યું. સંયુક્ત કુટુંબની જવાબદારી નિભાવતા તેઓએ ધીમે ધીમે પોતાના બિઝનેસને આગળ વધાર્યો છે. તુલસીબેન જણાવે છે કે અમે શરૂૂઆત કરી ત્યારે ઘણી હેરાનગતિ ભોગવવી પડી હતી. પણ દરેકે સંઘર્ષ તો કરવો જ પડે છે મજબૂત બનવું પડે, દિવસ-રાત ભૂલીને કામ કરવું પડે ત્યારે સફળતા મળે છે. ફક્ત પાણીપુરીથી શરૂૂઆત કરી હતી જ્યારે અત્યારે 30 જેટલી આઈટમ બનાવીએ છીએ. મહિલા જોઈને લોકોને ચોખ્ખાઈ હોવાનો ભરોસો બેસે છે.
આ બધી મહિલાઓ સિવાય પણ અનેક મહિલાઓ અહીં કામ કરે છે.સાંજ થતાં જ અહીં વાનગી અને મસાલાની સોડમ સાથે અનુભવાય છે તેમનો આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ.દરેક તેમના જીવનમાં સફળ થાય, સ્વપ્નો સાકાર થાય એ જ શુભેચ્છાઓ.
દરેક સવાર નવી આશા સાથે ઉગે છે
અહીં અનેક મહિલાઓ કામ કરે છે પરંતુ દરેકનો એક જ સૂર છે કે, પરિવારના સાથ સહકારથી આ કામ કરી શકાય છે. દરેક દિવસ સરખા જતા નથી. ક્યારેક ઓછો બિઝનેસ હોય તો ઓછા પૈસા લઈને ઘરે જવાનું થાય છતાં આશા ગુમાવતા નથી.ક્યારેય કોઈ તરફથી ખરાબ અનુભવ થયો નથી.રાત્રીના એક વાગ્યે પણ નીકળવામાં કોઈ ડર નથી.ઓછા નફા સાથે વધુ બિઝનેસના ધ્યેય સાથે તેઓની દરેક સવાર નવી આશા સાથે ઉગે છે.