ભેળસેળિયાઓની ખેર નથી; 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ થશે
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006માં થશે ધરખમ ફેરફાર, નાગરિકો પાસે સૂચનો મગાવાયા
સમગ્ર ગુજરાતમાં ખાધ પદાર્થમાં ભેળસેળ કરનારા માટે સરકાર કડક પગલા લેવાની તૈયારીમાં છે. હવે જો કોઈ વ્યક્તિ હાનિકારક ખોરાકનું વેચાણ કરે છે અને તેના પરિણામે કોઈ મૃત્યુ થાય છે, તો તેવા કેસમાં 7 વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જેલની સજા અને 10 લાખ રૂૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. સરકાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ની દંડની જોગવાઈઓમાં સુધારા કરવાની તૈયારીમાં છે. આ માટે સરકારે નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મંગાવ્યા છે.
ખાધ પદાર્થમાં સામાન્ય ભેળસેળથી લઈને હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય જોગવાઈમાં સુધારા કરવા સરકાર તૈયાર છે. સરકારની ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ-2006માં સુધારાની તૈયારી છે. હાલની જોગવાઈઓ અનુસાર ભેળસેળ માટે કેટલીક સજા નક્કી છે, પરંતુ હવે તેને વધુ કડક બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે જેથી ખોરાકની ગુણવત્તા સાથે કોઈ પણ રમત ન કરી શકે અને જો કોઈ કરે તો તેમની સામે કડક કાર્યવાહી થાય. આ સુધારા માટે સરકારે નાગરિકો પાસેથી 30 દિવસમાં ઓનલાઈન વાંધા-સૂચનો મંગાવ્યા છે.
આ સુધારાથી ખાદ્ય પદાર્થના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ સ્પષ્ટ સંદેશ મળશે કે ખોરાકમાં ભેળસેળ માત્ર નૈતિક નહીં પણ કાનૂની દ્રષ્ટિએ પણ ગંભીર અપરાધ છે. સામાન્ય ભેળસેળથી લઈ હાનિકારક અને જીવલેણ ભેળસેળ સુધી દરેક પર સખત કાર્યવાહી થશે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ફૂડ સેફ્ટી એક્ટની અંદર દંડકીય જે જોગવાઈ હતી, એમાં મહત્તમ જોગવાઈની વ્યવસ્થાઓ હતી પરંતુ જે મિનિમમ કેટલો દંડ કરવો એ મિનિમમ દંડની કોઈ જોગવાઈ ન હતી. એટલે આ કાયદાની અંદર, અત્યારે તો વાંધા-સૂચનો મંગાવ્યા છે કે મહત્તમ દંડ અને મિનિમમ દંડમાં ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ, એની કોઈ જોગવાઈ ન હતી, એટલે એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમ દંડ કરવાની જોગવાઈની વ્યવસ્થા કરી છે અને સાથે સુરત અને અમદાવાદ ખાતે, વધારે કેસ હતા એટલે એજ્યુકેટિંગ ઓફિસર એટલે કે બે વધારાના અધિકારીની નિમણૂક કરી છે. અને સાથે પ્રાંત અધિકારીઓ અને અમારા અધિકારીઓ, આ તમામ કેસ ચલાવી અને ઝડપથી લોકોને સારો ખોરાક મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે.
કેન્દ્રીય કાયદો છે પરંતુ જે વિષયની અંદર આપણે ફેરફારો કરી શકીએ, એવા ફેરફારો કરીને ખાણીપીણીની ચીજો આપણને ગુણવત્તા યુક્ત મળી રહે, એના માટે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે લોકોના સૂચનો આવ્યા પછી એ બાબતમાં આગળ નિર્ણય લેવામાં આવશે. સારામાં સારો ખોરાક લોકોને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરીશું.