યુનિવર્સિટીના કુલપતિ અને અધ્યાપકોની નિમણૂકના નિયમમાં ફેરફાર થવાની શક્યતા
યુજીસી દ્વારા નવો રેગ્યુલેશન ડ્રાફ્ટ તૈયાર કરાયો, તા. 5 ફેબ્રુ. સુધી મંતવ્યો સ્વીકારાશે
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન રેગ્યુલેશન 2018 પ્રમાણે હાલમાં દેશમાં દરેક યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલર અને અધ્યાપકોની નિમણૂંક કરવામાં આવે છે. આગામી દિવસોમાં રેગ્યુલેશન 2025 તૈયાર કરી દેવામાં આવ્યું છે. હાલમાં યુજીસી દ્વારા આ રેગ્યુલેશનને લઇને તમામ પાસેથી 5મી ફેબ્રુઆરી સુધી મંતવ્યો મંગાવવામાં આવ્યા છે. માર્ચ પછી નવા રેગ્યુલેશન પ્રમાણે કુલપતિ અને પ્રોફેસરોની નિયુક્તિ સહિતની કાર્યવાહી કરવી પડશે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન રેગ્યુલેશન 2018 વર્તમાન સમયમાં અમલમાં છે. હવે આગામી દિવસોમાં રેગ્યુલેશન 2025નો ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. માર્ચમાં નવો ડ્રાફ્ટ લાગુ કરી દેવાશે. નવી વ્યવસ્થા લાગુ કરતાં પહેલા લોકોના મંતવ્યો જાણવામાં આવતાં હોય છે. યુજીસી દ્વારા નવો તૈયાર કરાયેલો ડ્રાફ્ટ હાલમાં લોકો માટે ઓપન કરી દેવાયો છે. નવા ડ્રાફ્ટમાં કુલપતિ અને અધ્યાપકોની નિમણૂંક માટેના નિયમોમાં ફેરફાર થાય તેવી શકયતાં છે.
સૂત્રો કહે છે કે રાજયમાં કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યા પછી યુનિવર્સિટીના કુલપતિની નિમણૂંક માટેની સર્ચ કમિટીમાં પાંચ સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે. યુજીસીના નવા ડ્રાફ્ટમાં ત્રણ સભ્યોની સૂચના હોય તો આગામી દિવસોમાં રાજયમાં પણ કુલપતિની નિયુક્તિ માટેની કમિટીમાં ત્રણ સભ્યોની નિયુક્તિ કરવી પડે તેમ છે. આ ઉપરાંત આસી. પ્રોફેસર, એસો. પ્રોફેસર તરીકે કોણ લાયક ગણાશે તે અંગે પણ નવા ડ્રાફ્ટમાં સ્પષ્ટતાં કરવામાં આવી છે.લાયબ્રેરીયન તરીકે પણ લાયકાત વગરના કોઇ વ્યકિતને નિયુક્તિ આપી શકાશે નહી.
વર્ષ 2009 પહેલા કોઇ ઉમેદવારે પીએચડી ડિગ્રી મેળવી હોય તો તેમને આસી. પ્રોફેસર માટે નેટ-સ્લેટમાંથી મુક્તિ આપવામાં આવશે. નવા ડ્રાફ્ટમાં હાયર એજ્યુકેશનમાં સમાવેશ થાય તેવા તમામ ટીચીંગ અને નોન ટીચીંગ નિયુક્તિ માટે પણ નિયમો તૈયાર કરાયા છે. પ્રિન્સિપાલની નિયુક્તિ માટે પાંચ વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા છે. વધુ પાંચ વર્ષ માટે એક્સટેન્શન આપી શકાશે. કુલપતિ સર્ચ કમિટીમાં ત્રણ સભ્યોમાં યુજીસીના સભ્ય, રાજયપાલના પ્રતિનિધિ અને ઇ.સી.-એ.સી.ના પ્રતિનિધિનો સમાવેશ કરાયો છે.