બગસરાની શાકમાર્કેટમાં રોકડ અને શાકભાજીની ચોરી
બગસરા ની શાકમાર્કેટમાં રાત્રિના સમયે વેપારીઓ દ્વારા રાખવામાં આવેલ રોકડા નાણા તથા શાકભાજીની ચોરી થવા લાગી છે જેને પગલે વેપારીઓ દ્વારા પોલીસને કાર્યવાહી કરવા માંગ કરી છે. વિગત અનુસાર છેલ્લા ઘણા દિવસોથી બગસરા ની શાકભાજી માર્કેટમાં ચોરીનો સિલસિલો શરૂૂ થયો છે. વેપારીઓની રોકડ રકમ તેમજ મોંઘા ભાવની શાકભાજી રાત્રીના સમયે ચોરી લેવામાં આવે છે. આ બાબતે શાકભાજી માર્કેટના વેપારીઓ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે. જેમાં વેપારી શાંતિભાઈ ડાભી, સુરેશભાઈ નકુમ, યોગેશ કટેશીયા, ચિરાગ ખાંદલ, શેખ આરીફ શા, વસંત કટેશીયા, સહિતના 50થી વધુ વેપારીઓ દ્વારા તારીખ 11 ઓગસ્ટ ના રોજ સૌપ્રથમ વખત શાક માર્કેટ માંથી શાકભાજીની ચોરી થઈ હતી.
આ પછીથી વારંવાર રાત્રિના સમયે વેપારીઓના ગલ્લામાં રહેલ રોકડ તથા હાલના સમયમાં મોંઘા ભાવના ટમેટા ના કેરેટ, લસણ, ડુંગળી, ની બોરીઓ રાખવામાં આવેલ કબાટના બારણા તોડી ચોર દ્વારા ઉઠાન્તરી કરવામાં આવી રહી છે. ચોરી કરનાર કોઈ જાણભેદુ હોવાની પૂરતી શંકા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમજ વારંવાર થતી આ ઘટના બાબતે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. જોકે આ રજૂઆતને અનેક દિવસો થઈ જવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વેપારીઓએ નિરાશા વ્યક્ત કરેલ છે.