પૂર્વ વિરોધ પક્ષ નેતાની દાદાગીરીથી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
રેકડીચાલકને મારમારવા અંગે કોંગી કોર્પોરેટર અસલમ ખીલજી સહિત બે સામે ફરિયાદ
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા અને મકાઈની રેકડી ચલાવતા એક યુવાનને કોંગી કોર્પોરેટર અને તેના સાગરીતે માર માર્યો હોવાથી તેઓના ત્રાસના કારણે ફિનાઈલ પી લીધું હતું.
આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, અને પોલીસે હુમલો કરનાર કોંગી કોર્પોરેટર સહિત બે સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા અને મકાઈની રેકડી ચલાવતા શાહનવાજ શકીલભાઈ ચૌહાણ નામના 22 વર્ષના યુવાને ગત 16મી તારીખે ફિનાઈલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તે ભાનમાં આવી ગયા બાદ પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું.
જે નિવેદનમાં તેને જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસ ના કોર્પોરેટર અસલમભાઈ ખીલજી અને મહમ્મદ ઉર્ફે મામલો અખ્તરભાઈ પંજાએ માર માર્યો હોવાથી તેઓના ડરના કારણે ફીનાઇલ પીધું હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાયા પછી પોતાના માતા પિતા સાથે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો, અને કોર્પોરેટર અસલમ ખીલજી સહિત બંને સામે પોતાને 16મી તારીખે માર મારી પટણી વાડમાં શુંકામ આવ્યો છે,
અને ફરીથી આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાહેર કર્યું હતું.
જે અંગે પીએસઆઇ ડી.જી. રામાનુજે અસલમ ખીલજી અને મોહમ્મદ અખ્તરભાઈ પંજા સામે બીએનએસ કલમ 115(2), 352,351, (3) અને 54 મુજબ ગુનો નોંધ્યો છે, અને આ બનાવ સંદર્ભમાં અલગ અલગ વ્યક્તિના નિવેદનો નોંધવાનું શરૂૂ કર્યું છે.