મંગેતરના અનૈતિક સંબંધથી લાગી આવતા યુવતીએ જ્વલનશીલ પ્રવાહી પીધુ
- રાજકોટનો બનાવ: સગપણ નક્કી થયા બાદ ભાવિ ભરથારે અન્ય યુવતીનો ફોટો મોકલતા પગલું ભરી લીધું
રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા બિલેશ્વર પાર્કમાં રહેતી યુવતીને ભાવી ભરથારે અન્ય યુવતીનો ફોટો મોકલ્યો હતો. ભાવિ ભરથારના અનૈતિક સંબંધથી લાગી આવતા યુવતીએ સિંદૂર પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા બિલેશ્વર પાર્કમાં રહેતી સુનિતાબેન રાજકુમારભાઈ પટેલ નામની 18 વર્ષની શ્રમિક યુવતી પોતાના ઘરે હતી ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં સિંદૂર પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર સુનિતાબેન પટેલ મૂળ ઉત્તર પ્રદેશની વતની છે અને બે ભાઈ બે બહેનમાં નાની છે સુનિતાબેન પટેલની આઠ માસ પહેલા જ બનારસના શુભમ નામના યુવાન સાથે સગપણ નક્કી થયું હતું અને બાદમાં શુભમએ અન્ય યુવતીનો ફોટો સુનિતાબેન પટેલને મોકલતા તેણીને લાગી આવતા સિંદૂર પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.