જામકંડોરણાના યુવાને કાર વેચવાની ના પાડતા માર મારી દિવાલમાં માથું ભટકાડ્યું
તું ફોર વ્હીલ લઈને નીકળ એટલે અકસ્માતના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ઈન્દીરાનગરમાં રહેતા અને કડીયા કામ કરતાં યુવાને પોતાની ફોર વ્હીલ વેચવાની ના પાડતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ માર મારી દિવાલમાં માથુ ભટકાડી અકસ્માતના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણાના ઈન્દીરાનગરમાં રહેતા પ્રફુલભાઈ હરિભાઈ ચંદ્રપાલ (ઉ.27) નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મહેશ ઉર્ફે મનીષ મનુભાઈ બગડાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ 20 દિવસ પહેલા કાર ખરીદ કરેલ હોય જે કાર આરોપીને ગમતી હોય અગાઉ ત્રણ વખત ગાડી વેચવા બાબતે પુછયું હતું. દરમિયાન બે દિવસ પહેલા ફરિયાદી મોમાઈ ડેરી પાસે રહેતા હતાં ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને ફરી કાર વેચવાનું પુછતાં ફરિયાદીએ કાર વેચવાની ધસીને ના પાડી દીધી હતી. જેના કારણે બોલાચાલી થતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને માર મારી દીવાલમાં માથુ ભટકાડયું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી અકસ્માતના કેસમાં ફીટ કરાવી દઈશ તેમ કહ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લામા ત્રણ સ્થળેથી જુગાર રમતા 22 ઝડપાયા
રાજકોટ જિલ્લામાં જુગારની મૌસમ શરૂ થઈ ગઈ છે ત્યારે ગઈકાલે પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડી જુગાર રમતા 22 શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં જેતપુરના ચાપરાજ ગામે જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને 28,200ની રોકડ સાથે, વિરપુર હનુમાન મઢી પાસે જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત છ શખ્સોને 3,210ની રોકડ સાથે, તેમજ જામકંડોરણાના અડવાળ ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને 17,280ની રોકડ સાથે ધરપકડ કરી હતી.