યાર્ડ ધમધમ્યું, પડતર જણસીની હરાજી શરૂ
રાબેતા મુજબ કામગીરી શરૂ થતાં ખેડૂત, વેપારી, દલાલો અને શ્રમિકોમાં રાહત: નવી જણસી લઈ આવવા સૂચના
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા સાત દિવસથી હડતાલ હોવાથી હરરાજી સહિતની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. આજે ફરી યાર્ડ ધમધમવા લાગતા હરરાજી સહિતની કામગીરી શરૂ થઈ હતી. યાર્ડમાં પેઢી કાચી પડતા 145થી વધારે દલાલ અને વેપારીઓના કરોડો ફસાતા હરરાજી સહિતની કામગીરી બંધ કરી હડતાળ પાડવામાં આવી હતી. જેમાં ગઈકાલે ચેરમેન, દલાલ મંડળ અને વેપારીઓની બેઠકમાં પેઢી દ્વારા પૈસા પરત આપવાની ખાતરી અપાતા યાર્ડ પૂન શરૂ કરવામાં આવ્યું હતું.
જેથી આજે સવારે જ પડતર જણસી સહિતના માલની હરરાજી શરૂ કરતા વેપારીઓ અનેખેડુતોના ચહેરા પર રાહત જોવા મલી હતી. યાર્ડમાં સાત દિવસની હડતાલ બાદ આજ સવારથી હરરાજી સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હ તી. જેમાં પડતર માલનો નિકાલ કરવા તેની હરરાજી થઈ હતી. યાર્ડ બંધ રહેતા અઠવાડિયાથી માલ પ્લેટફોર્મ સહિતના સ્થળે ઉતરાયો હતો. તેના નિકાલની વ્યવસ્થા યાર્ડના સતાધિશો દ્વારા સૌપ્રથમ કરવામાં આવી હોય આજે પડતર માલ અંગેખરીદ-વેચાણ કરાયુ હતું.
આજે યાર્ડ ફરી ધમધમ્યુ હતું. પરંતુ નવી જણસીની આવક માટે કોઈ સુચના આપવામાં નહીં આવતા ખેડુતો પોતાાની જણસી લઈ આવ્યા ન હતાં. પરંતુ બપોર બાદ જણસી લઈ આવવા યાર્ડ તરફતી સુચના મળી છે. તેવી ચર્ચા યાર્ડમાં થઈ રહી છે. હાલ માવઠાની આગાહી હોવાથી સતાધીશો પણ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતા નહીં હોવાથી હાલ પડતર માલનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ખેડુતોને ટોકનવાર ક્રમશ પ્રવેશ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સૌરાષ્ટ્રમાં ઘંઉ, કપાસ, ધાણા, જીરૂ, મગફળી, રાય-રાયડો, મેથી સહિત ઉનાળુ પાકની મબલખ આવક થઈ રહી છે. યાર્ડમાં ઘંઉ અને ધાણા ઢગલો મોઢે આવી રહ્યા છે. ઘંઉ અને મસાલાની સિઝન હોવાથી ખરીદી બહોળા પ્રમાણમાં થઈ રહી છે. અને ભાવ પણ સારા મળી રહ્યા છે.