બગસરા શહેરની બહાર દબાણો દૂર કરાયા
શહેરની અંદર થયેલા દબાણ ને દૂર કરવા તંત્ર ક્યારે જાગશે?
બગસરા શહેરના બહારના રસ્તાઓ પર દબાણ હટાવ્યા ને ઘણો સમય વીતી ગયો હોવા છતાં શહેરની અંદર દબાણ ક્યારે હટાવવામાં આવશે જેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે. શહેરની અંદર રહેલા દબાણોને કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા છે.
મળેલ માહિતી મુજબ ઘણા સમય પહેલા તંત્ર દ્વારા બગસરાના જેતપુર રોડ તેમજ અમરેલી રોડ પર દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી ત્યારબાદ શહેરમાં દબાણ હટાવવાનું શરૂૂ કરવામાં આવશે તેવું લોકો માની રહ્યા હતા પરંતુ તંત્રએ માત્ર બહાર બહાર કામગીરી કરી મન મનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઘણા સમયથી શહેરની અંદર અનેક દબાણો થઈ ગયા હોવા છતાં તંત્રએ આ દબાણોને દૂર કરવા માટે નોટિસ પણ આપી નથી. શહેરમાં લારી ગલ્લા અને કેબિનધારકો દ્વારા કરેલ દબાણનું સૌથી મોટું ઉદાહરણ હોસ્પિટલ રોડ, બસ સ્ટેન્ડની પાછળની બાજુ, અને શાકમાર્કેટ જવાના ના રસ્તાઓ પર દેખાઈ આવે છે.
આ દબાણોને કારણે રસ્તાઓ ધીમે ધીમે સાંકડા થઈ ગયા છે અને દબાણ ધારકો પોતાનું દબાણ વધારતાં જઈ રહ્યા છે રસ્તાઓ સાંકડા થતાં વાહનચાલકોને વારંવાર ઝઘડાઓ થઈ રહ્યા છે પરંતુ તંત્રને જાણે દબાણની કાંઈ પડી જ ન હોય તેવી રીતે આ બાબતે નિષ્ક્રિય બની તમાશો જોવે છે. જિલ્લામાં દરેક સ્થળોએ દબાણ દૂર કરવા માટે કામગીરી કરવામાં આવે છે ત્યારે બગસરામાં જ આ કામગીરી કેમ થતી નથી તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.