જનનાયક ‘વિજયભાઈ ’ની શ્રધ્ધાંજલિમાં જગ ઉમટ્યું, નભ રોયું
રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની ગઈકાલે રેસકોર્ષ સંકુલમાં રમેશ પારેખ રંગભવન ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં તમામ ક્ષેત્રના લોકોએ ઉપસ્થિત રહી સ્વ.વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભામાં સૌરાષ્ટ્રભરમાંથી કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. આ પ્રસંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પ્રાર્થનાસભામાં સ્વ.વિજયભાઈને પુષ્પાંજલી અર્પણ કરી અંજલિબેન રૂપાણી તથા તેના પુત્ર ઋષભ રૂપાણીને સાંત્વના પાઠવી હતી. ભાજપના સ્થાનિક નેતાઓ વજુભાઈ વાળા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ, કાર્યકરો ઉપરાંત સંતો, મહંતો અને વ્યાપાર ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રના લોકો તથા અધિકારીઓ, કર્મચારીઓએ પણ સ્વ.વિજયભાઈ રૂપાણીને ભીની આંખે પુષ્પાંજલી અર્પણ કરી હતી.
ગઈકાલે વરસતા વરસાદમાં પણ રાજકોટવાસીઓ સ્વ.વિજયભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરવા ઉમટી પડયા હતાં અને સતત ત્રણ કલાક સુધી લોકોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. પ્રાર્થનાસભા દરમિયાન વિજયભાઈના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી તેમના સ્વજન હંસિકાબેન મણીયારના ખોળામાં માથુ મુકીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડયા હતાં. આ ઉપરાંત જામનગરના ધારાસભ્ય રીવાબા તેમજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પણ અંજલિબેન ભેટીને રડી પડયા હતાં. વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પણ રૂપાણી પરિવારને સાંત્વના પાઠવી હતી.
રૂપાણી પરિવાર ઉપર આવી પડેલી આ અણધારી આફતમાં નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, કશ્યપ શુકલ, માધવ દવે સહિતની ભાજપની સમગ્ર ટીમ ખડેપગે તેમની સાથે રહી હતી.