કામ તો નિયમ મુજબ જ થશે, નગર સેવકોને કમિશનરનું તડફડ
શાસકો અને અધિકારીઓ વચ્ચે સંકલન સાધવા યોજાયેલી બેઠકમાં ઊલ્ટાનું તિરાડ વધ્યા જેવી સ્થિતિ
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું અસ્તિત્વજ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. એકબાજુ અધિકારીઓ પાસે કામના ઢગલા થઈ ગયા હતા. ત્યારે બીજી તરફ અગ્નિકાંડમા ંદોષિત ઠરેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની સાંઠગાઠ ખુલવાના ડરથી પદાધિકારીઓ અને કોર્પોરેટરો પણ ચુપ થઈ ગયા હતાં. તે સમયે જ મનપામાં નવા કમિશનરની નિમણુંક કરવામાં આવી જેને બે માસ જેટલો સમય થતાં કોર્પોરેટરોએ હવે ગણગણાટ શરૂ કરી કમિશનર પાસેથી કામ લેવા માટે તેમની ઓખાણ જરૂરી છે. તેવી ફરિયાદ કરતા મ્યુનિસિપલ કમિશનર સાથે તમામ કોર્પોરેટરોની મીટીંગ યોગાયેલ જેમાં કોર્પોરેટરોએ સફાઈ, ટાઉન પ્લાનીંગ, વોટરવર્કસ, ગંદકી અને સીલ ખોલવા સહિતની રજૂઆતો માટે કમિશનરને ભલામણ કરતા કમિશનરે કામ તો નિયમ મુજબ જ થશે. તેવું જણાવતા સંકલન સાધવા માટે એકઠા થયેલ કોર્પોરેટરોની મનની મનમાં જ રહી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો હતો.
મહાનગરપાલિકામાં આજ સુધી કોર્પોરેટરો પોતાના વોર્ડના કામ માટે અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતનાને રજૂઆત અને ભલામણો કરતા આવ્યા છે. પરંતુ ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ ગેરકાયદેસર બાંધકામોમાં રાજકારણીઓ તેમજ અમુક કોર્પોરેટરોની સંડોવણી હોવાની ચર્ચાઓ થતાં છેલ્લા બે માસથી કોર્પોરેટરોએ ચુપ થવાનું મુનાસીફ સમજી લીધું હતું. જેની સામે અધિકારીઓએ પણ મનમાં ગાંઠ વાળી હવે પછી કોર્પોરેટરોની ભલામણના આધારે કોઈ કામ કરવા નહીં તેવું મન મનાવી લીધેલ આથી બે માસ દરમિયાન અનેક વિસ્તારોમાં કોર્પોરેટરો દદ્વારા ભલામણથી થાય તેવા કામો અટકી પડ્યા હતાં. અને હવે ગેમઝોન અગ્નિકાંડ શાંત પડ્યો છે ત્યાં જ કોર્પોરટેરોમાં ફરી ગણગણાટ શરૂ થયો હતો કે, મ્યુનિસિપલ કમિશનર અમને ઓળખતા જ નથી આવી ફરિયાદો પણ થતાં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન સાધવા માટે મીટીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોના પ્રશ્ર્નોની ચર્ચા કરવાના બદલે મહાનગરપાલિકા દ્વારા નિયમ મુજબ કરવામાં આવેલી કામગીરીમાં પણ વાંધાવચકા કાઢવાનુંકોર્પોરેટરે શરૂ કર્યુ હતું. મેયર દ્વારા વોર્ડ નં. 4 માં સફાઈ થતી નથી તેમ જણાવેલ જ્યારે સુરેન્દ્રસિંહ વાળા અને ટાઉન પ્લાનીંગ સમિતી ચેરમેન દ્વારા ટીપીની કામગીરી હાલમાં ઠપ થઈ ગઈ છે. તેમજ અન્ય કોર્પોરેટરોએ પણ વોટરવર્કસ અને ગંદકી મુદ્દે કામગીરી ઝડપી બનાવવાની રજૂઆત કરેલ પરંતુ સૌથી વધુ ફાયર સેફ્ટી મુદે સીલ કરવામાં આવેલ એકમોના સીલ ખોલવા માટેની રજૂઆત સાથે કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર અને શાસકો સાથે યોજાયેલ સંકલનની બેઠકમાં કોર્પોરેટરો દ્વારા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં વાંધા વચકા કાઢવાનું શરૂ કરી અને ખાસ કરીને સીલ કરવામાં આવેલ મિલ્કતો ઝડપથી ખોલવામાં આવે તેમજ ફાયર એનઓસી પણ સીલની ઝડપ મુજબ આપવામાં આવે તેવી માંગણી કમિશનર સમક્ષ કરતા મ્યુનિસિપલ કમિશનરે પણ કામ નિયમ મુજબ જ થશે તેવું ચોખ્ખુ સંભળાવી દેતા થોડી વાર માટે સમિતિની બેઠકમાં સોપો પડી ગયો હતો. અને કોર્પોરેટરોએ પણ ખોટી રજૂઆતો આ સાહેબ પાસે નહીં ચાલે તેવું મનમાં સમજી સમસમી ઉઠ્યા હતાં.