પરિણીતા બીજા લગ્નમાં પણ ન ઠરી: પતિએ છૂટાછેડા આપ્યા વગર બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા
જૂની પપૈયાવાડી પાસે રહેતી પરિણીતાની ફરિયાદ પરથી પતિ અને સાસુ-સસરા સામે નોંધાતો ગુનો
રાજકોટ શહેરમાં ગુરુપ્રસાદ ચોક જુની પપૈયાવાડી પાસે સીટિ પ્લેટીનમ ફ્લેટ નં.203માં રહેતી હર્ષિદાબેન રાજુભાઇ વરણ નામના પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેમના પતિ રાજુભાઇ ધનજીભાઇ, સાસુ રમીલાબેન અને સસરા ધનજીભાઇ બધાભાઇ વિરુદ્ધ ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.
હર્ષિદાબેને ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેમના પ્રથમ લગ્ન ધોરાજીમાં રહેતા રમેશભાઇ સોંદરવા સાથે થયા હતા. તેમના થકી સંતાનમાં એક પુત્ર હતો. પાંચ વર્ષ સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ બન્ને વચ્ચે મનમેળ ન આવતા બન્ને રાજીખુશીથી અલગ થઇ ગયા હતા. તેમજ પુત્ર પૂર્વ પતિ પાસે રહેતો હતો. ત્યાર બાદ આજથી નવ વર્ષ પહેલા પિતાના ઘર પાસે રહેતો રાજુ વરણ સાથે પ્રેમસબંધ બંધાતા બન્ને પતિ-પત્ની તરીકે સાથે રહેવા લગ્યા હતા. આ દરમિયાન હર્ષિદાબેન પુત્ર પ્રાપ્તિ થતા બન્ને જુની પપૈયાવાડી પાસે આવેલા સીટી પ્લેટીનમ ફ્લેટમાં રહેવા લાગ્યા હતા. પતિ રાજુ ગુરુપ્રસાદ ચોક પાસે રાજયોગી ટાવર પાસે આર.વી.ટેલિકોમ નામે દુકાન ધરાવે છે અને પોતે પાંચ બહેનોનો એકનો એક ભાઇ છે.
હર્ષિદબેને રાજુ સાથે મંદિરમાં ગઇ તા.22/6/2018ના રોજ લગ્ન ર્ક્યા હતા. ત્યાર બાદ હવે પતિને અન્ય સ્ત્રી સાથે લફરુ હોય જેની હર્ષિદાબેનને જાણ થતા બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. ત્યાર બાદ પતિ અવાર-નવાર ઘર મુકી ચાલ્યો જતો હતો.
બે મહિના પહેલા પણ પતિ ઘર છોડી જતો રહ્યો હતો. તેને શોધવા હર્ષિદાબેન સસરાના ઘરે ગયા હતા. ત્યારે તેમને સાસુ અને સસરાએ તુ મારા ઘરે કેમ આવી છો કહીં મારકુટ કરી હતી. તેમજ તેઓ મારી નાખવાની ધમકી પણ આપતા હતા. તા.3/9ના રોજ પતિ રાજુભાઇ તેમના પિતાના ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહ્યા હતા.
જેથી સાસુએ ગુમનોંધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ જાણવા મળ્યું હતુ કે, પતિ રાજુ સાધુવાસવાણી રોડ પર રહેતી માધવી બખલકીયા સાથે ગયાનું જાણવા મળ્યું હતું અને તેમની સાથે ભાગીને લગ્ન કરી લીધાનું જાણવા મળતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.