ભાવનગર મંડળના લોકોપાઈલટની સતર્કતાથી પાંચ સિંહોના જીવ બચ્યા
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મંડળના લોકો પાયલટો નિર્ધારિત ઝડપનું પાલન કરીને વિશેષ સતર્કતા સાથે ટ્રેન ચલાવે છે, જેના પરિણામે વન્યજીવોના જીવનું રક્ષણ થઈ રહ્યું છે. ગત નાણાકીય વર્ષ 2024-25માં ભાવનગર મંડળની સજાગતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરોના સહયોગથી 159 સિંહોના જીવ બચાવવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં 29 સિંહોનું જીવન રક્ષણ થયું છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, 4 ઓગસ્ટ, 2025ના રોજ જૂનાગઢ-વેરાવળ મીટરગેજ સેક્શનમાં કિલોમીટર 11/01-11/02 વચ્ચે લોકો પાયલટ બલિરામ કુમાર અને સહાયક લોકો પાયલટ હરદીપ ગરલાએ રેલવે ટ્રેક પર એક સિંહ, એક સિંહણ અને તેમના ત્રણ બચ્ચાંને સૂતેલા જોયા. તેમણે તત્કાળ પેસેન્જર ટ્રેન (52946) પર ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી. આ ઘટનાની જાણ ટ્રેન મેનેજરને કરવામાં આવી અને ફોરેસ્ટ ટ્રેકરે સિંહોને ટ્રેક પરથી દૂર હટાવ્યા. સ્થિતિ સામાન્ય થયા બાદ ટ્રેનને આગળ ચલાવવાની મંજૂરી આપવામાં આવી. આ ઘટનાની જાણ થતાં મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા સહિત અન્ય અધિકારીઓએ લોકો પાયલટોના આ પ્રશંસનીય કાર્યની સરાહના કરી. ભાવનગર મંડળની આ સતર્કતા અને સમન્વયથી ગુજરાતના ગૌરવ સમાન આ સિંહોનું રક્ષણ થઈ રહ્યું છે, જે વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું છે.