જેતપુરમાં વેપારીના બંધ મકાનના તાળાં તોડી 7.80 લાખની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
દારૂ-જુગારના શોખીન હિસ્ટ્રીશીટરોએ મોજશોખ માટે ચોરી કર્યાની કબૂલાત
રાજકોટ જિલ્લાના જેતપુરની રાજેશ્ર્વરી સોસાયટીમાં ડુંગળી-બટેટાના વેપારીને બંધ પડેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી 7.80 લાખની માલમત્તા ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ જેતપુર પોલીસે ગણતરીના દિવસોમાં જ સીસીટીવી ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલી નાખી જેતપુર-જૂનાગઢના ત્રણ હિસ્ટ્રીશિટરોની ધરપકડ કરી 6.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારૂ, જુગારના શોખીનોએ મોજશોખ કરવા ચોરી કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપુરમાં ડુંગળી-બટેટાનો વેપાર કરતા જયદિપ દલસુખભાઈ કેશરિયા ઉ.વ.38 નામના લોહાણા વેપારીની પત્ની હોસ્પિટલમાં દાખલ હોય તેની સારવાર માટે વેપારી હોસ્પિટલમાં રોકાયા હતા ત્યારે ત્રણ દિવસ પહેલા બંધ પડેલા મકાનામાં બાખોરુ પાડી તસ્કરો 3.85 લાખની રોકડ અને 3.95 લાખની કિંમતના 15.8 તોલા સોનાના દાગીના મળી કુલ 7.80 લાખની માલમત્તા ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવી હતી.
આ ચોરીની ઘટના બાદ જેતપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. જેમાં ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં રેકી કરતા મળી આવ્યા હતા. જેના આધારે જેતપુરના ઉમેશ રમણીક વાળા, રવી આંબાભાઈ કારતનીયા અને જૂનાગઢના જયેશ ભાયાભાઈ ગઢવીની ધરપકડ કરી તેમની પાસેથી 3.50 લાખની રોકડ અને સોનાના દાગીના મળી 6.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસની પુછપરછમાં ઉમેશ અગાઉ 19 જેટલા ગુનામાં પકડાઈ ચુક્યો છે. જ્યારે જયેશ પણ ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો હોય તહેવારો પર મોજશોખ કરવા દારૂ જુગારની શોખીન ત્રીપુટીએ બંધ મકાનની રેકી કરી ચોરી કર્યાની કબુલાત આપી છે.