રેલવે ટ્રેક ઉપર બે ડાલામથા આવી ચડતા ટ્રેન અડધો કલાક રોકી દેવાઇ
જુનાગઢ થી અમરેલી જતી ટ્રેન ગઇકાલે સાંજે છ વાગ્યે જૂનાગઢના તોરણીયા નજીક અડધો કલાક રોકવામાં આવી હતી. આ ટ્રેન રોકવાનું કારણ એ હતું કે રેલવે ટ્રેક નજીક બે સિંહો આવી ચડતાં ટ્રેન ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ટ્રેનને રોકી દીધી હતી. ટ્રેનમાં સવાર મુસાફરો ટ્રેન રોકાતા નીચે ઉતરી સિંહના વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. રેલવે ટ્રેક નજીક સિંહ આવી ચડિયાની જાણ વન વિભાગને થતા વન વિભાગ નો સ્ટાફ તાત્કાલિક જૂનાગઢના તોરણીયા પહોંચ્યો હતો. જ્યાં વન વિભાગ દ્વારા આ બંને સિંહને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ અડધો કલાકના વિરામ પછી અમરેલી જતી ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
આ મામલે વન વિભાગના અધિકારી અરવિંદ ભાલીયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ થી અમરેલી જતી ટ્રેનના રેલવે ટ્રેક પર ડુંગરપુર થી તોરણીયા ગામ નજીક બે સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા. તે સમયે બંને સિંહો રેલવે ટ્રેક નજીક ઉભા રહી ગયા હતા.સિંહોની સલામતીના ભાગરૂૂપે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. રેલવે ટ્રેક પર સિંહો આવી ચડ્યાની જાણ વન વિભાગને થતા વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને સિંહને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રેનને રવાના કરવામાં આવી હતી.