રથયાત્રામાં બેકાબૂ બનેલા ત્રણેય ગજરાજને જામનગર ખાતેના વનતારામાં લઇ જવાશે
ખાસ વાન સાથે વનતારાની ટીમ રિવરફ્રન્ટ પહોંચી
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રા દરમિયાન ખાડિયામાં એક ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યાર બાદ અન્ય બે ગજરાજ પણ બેકાબુની અસર દેખાતા કૂલ ત્રણ ગજરાજનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરેલા ગજરાજોને મંદિર તરફ લઈ જવાયા હતાં. બેકાબૂ બનેલા ગજરાજને જામનગર ખાતેના વનતારામાં લઈ જવાશે.
રથયાત્રામાં બેકાબૂ બનેલા ગજરાજનું મહાવત, ફોરેસ્ટ અને પશુપાલન વિભાગનાં અધિકારીઓએ રેસ્ક્યૂ કર્યં હતું. ત્યારબાદ આ ગજરાજને રિવરફ્રન્ટ પર લઈ જવાયો હતો. જ્યાં તેને બાંધીને રખાયો હતો. હવે આ ગજરાજને જામનગર ખાતેના વનતારામાં લઈ જવામાં આવશે. વનતારાની ટીમ ગજરાજને લેવા માટે રિવરફ્રન્ટ પહોંચી ગઈ છે. આ ટીમ દ્વારા ખાસ એનિમલ રેસ્ક્યૂ વાનમાં વનતારા ખાતે લઈ જવાશે. જ્યાં તેની સારવાર કરાશે.
રથયાત્રામાં એક ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ત્યારબાદ અન્ય બે ગજરાજોમાં પણ બેકાબુની અસર દેખાતા તેમને પણ રથયાત્રાથી અલગ કરી દેવાયા હતાં. તેમનું રેસ્ક્યૂ કરીને મંદિર તરફ લઈ જવાયા હતાં. ગજરાજ બેકાબૂ થતાં ગાંધી રોડ થોડી વાર માટે બ્લોક કરી દેવાયો હતો. બાકીના ગજરાજ શાંતિ પૂર્વક રથયાત્રામાં ચાલી રહ્યાં હતાં.