આજથી ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો થશે પ્રારંભ, પાંચ બીલ કરવામાં આવશે રજુ
આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર ત્રણ દિવસીય ચોમાસું સત્ર ગાંધીનગરમાં શરૂ થશે. જે 23 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્ર દરમિયાન પાંચ બીલ રજુ કરવામાં આવશે. જોકે આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે.
આ ચોમાસુ સત્રમાં ગુજરાત નશાબંધ સુધારા વિધેયક-2024, સૌરાષ્ટ્ર ગણોત અને ઘરખેડ સુધારા વિધેયક-2024, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2024 અને ગુજરાત માનવ બલિદાન અને અધોરી પ્રથા-કાળા જાદુ અટકાવવા અને તેનુ નિર્મૂલન માટેના વિધેયકો રજૂ થશે. ચારેક સુધારા વિધેયકો છે પણ એક માત્ર અઘોરીપ્રથા-કાળા જાદુ અટકાવવાનું વિધેયક નવી બાબત છે.
આજે વિધાનસભા પરિસરમાં સ્પીકર શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી અને આ સત્રમાં થનારી કામગીરીને આખરી ઓપ આપવા ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન વિપક્ષ કોંગ્રેસે સત્રના ટૂંકા ગાળાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા અને વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી કે લોકોના મુદ્દાઓ પર ચર્ચા થાય.