કરણપરામાં થયેલી રૂા.9.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
સીસીટીવીના આધારે બે શખ્સોને સંકજામાં લેતી ક્રાઇમ બ્રાંચ
પેસ્ટ કંટ્રોલની કામગીરી કરનાર કર્મચારીઓની ઊલટ તપાસ
શહેરના કરણપરા શેરી નં.13-14ના ખૂણે સિધ્ધાર્થ મકાનમાં રહેતા ઇલેકટ્રિકનાના વેપારીના મકાનમાં થયેલી રૂા.9.50 લાખની ચોરીનો ભેદ ક્રાઇમબ્રાંચે ઉકેલી નાખી બે શખ્સોને સંકજામાં લીધા છે. આ ચોરીમાં પેસ્ટ કંટ્રોલ કરનાર કંપનીના કર્મચારીઓની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. વેપારીના બંધ મકાનને નીશાન બનાવનાર બંન્ને શખ્સો સીસીટીવીમાં કેદ થયા હોય. જેના આધારે એ-ડીવીઝન પોલીસ સાથે એલસીબી અને ક્રાઇમબ્રાંચની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. જેમાં ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઇમબ્રાંચને સફળતા મળી છે.
મળતી વિગતો મુજબ કરણપરા શેરી નં.13/14ના ખૂણે રહેતા અને સાંગણવાચોકમાં ઇલેકટ્રિકની દુકાન ધરાવતા કેકીનભાઇ દલિપીભાઇ શહા (ઉ.વ.29)ના ઘરે ગત તા.6/7ના રોજ ઉધઇ મારવાની દવાનો છટકાવ કરેલ હોય જેથી કેકીનભાઇ પરિવાર સાથે તેમના ફઇબાના ઘરે રહેવા ગયેલ હોય. તે દરમિયાન તેમના પત્નિ ગત તા.8ના રોજ ઘરની સાફ સફાઇ કરીને સાંજના સાત વાગ્યાના અરસામાં તેમના ફઇબાના ઘરે જતા રહેલ. બાદમાં ગઇકાલે સવારે પાછા આવતા ઘરના સેફ્ટી ડોરમાં મારેલું તાળુ તોડી મકાનમાં ઘુસી પહેલા માળે તેમના પિતાના રૂમના લાકડામાંથી કબાડમાં રહેલો થેલો જેમાં આશરે 200 ગ્રામના સોનાના દાગીના, સાડા ત્રણ કિલોના ચાંદીના દાગીના તેમજ રૂા.75 હજારની રોકડ સહિત રૂા.9.50 લાખની ચોરી થઇ હતી. ચોરીના બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં કેકીનભાઇએ ફરિયાદ નોંધાવી હતી.
આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક એ ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી અને ક્રાઇમબ્રાંચની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. પ્રાથમિક તપાસમાં પેસ્ટ કંટ્રોલ માટે આવેલ શખ્સોએ જ ચોરી કર્યાની શંકાએ તેમની ઉલટ તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ આ ચોરીનો બનાવમાં સીસીટીવી ફૂટેજમાં બે શખ્સો એક્ટીવા ઉપર જતા કેદ થયા હોય જેના આધારે અલગ-અલગ દીશાઓમાં તપાસ બાદ ક્રાઇમબ્રાંચની ટીમને આ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને આ ચોરીમાં સંડોવાયેલ બંન્ને તસ્કરને સંકજામાં લેવામાં આવ્યા છે. ચોરીનો મુદ્દામાલ ક્રાઇમબ્રાંચે રીક્વર કર્યો છે અને આ ચોરીમાં અન્ય કોઇની સંડોવણી કે પછી કોઇએ ટીપ આપી હોવાની દિશામાં હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.