વિરાણી હાઇસ્કૂલના છાત્રોએ બનાવી 45 ફૂટ લાંબી તિરંગા રાખડી
વિદ્યાર્થીઓએ પોકેટમનીમાંથી ચોખા, ઘઉં, બાજરો, જુવાર, મગ, ચણા, તુવેર, મસૂર, ખીચડી અને સાડી ખરીદી કરી નિર્માણ કરી રાખડી: બોલબાલા ટ્રસ્ટને અનાજ, કઠોળ અર્પણ
વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તથા પોકેટ મનીમાંથી વિવિધ અનાજ અને કઠોળ જેવા કે ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મગ, ચણા, તુવેર, મસૂર, ખીચડી અને સાડી વગેરેની મદદથી 45 ફૂટ લાંબી 200 સ્કવેર ફૂટ કરતા વધારે મોટી તિરંગા રાખડી બનાવી હતી. જેમાં લગભગ સાડા ચારસો કિલો જેટલું અનાજ અને કઠોળ વાપરવામાં આવ્યું હતું. આ અનાજ અને કઠોળ રાજકોટની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અર્પણ કરવામાં આવશે.
પક્ષીઓને લાયક અનાજ રાજકોટ મહાજન પાંજરાપોળ ખાતે અર્પણ કરવામાં આવશે. જો શાળામાં રાખડી સ્પર્ધા રાખવામાં આવે તો માત્ર વિજેતા વિદ્યાર્થીઓ ખુશ થાય છે જ્યારે અહીં શાળાના ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓએ આ સેવાયજ્ઞમાં પોતાની યથા યોગ્ય આહુતિ આપી ’જોય ઓફ શેરિંગ’ અને ’વી કેર, વી શેર’ અંતર્ગત પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો અત્રે નોંધનીય છે કે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા સાત વર્ષથી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી આવી વિશાળ રાખડી બનાવવામાં આવે છે અને એકત્રિત થયેલ આ વસ્તુઓનું જરૂૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવે છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણા રૂૂપ છે.
આ ઉપરાંત તમામ ધોરણના વિદ્યાર્થી પ્રતિનિધિ શાળાના પટાંગણમાં રહેલ વૃક્ષોને કંકુ તિલક કરી રક્ષાબંધન વૃક્ષોને ઉછેરવાની અને પર્યાવરણનું રક્ષણ કરવાની ખાતરી આપી. હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, શાળાના ટ્રસ્ટી શ્રી રસીલાબેન રામાણી, પ્રવિણાબેન ચોવટીયા, ગુણવંત ભાદાણી, જયંતીભાઈ રાજકોટિયા, સીજે ગ્રુપના હું ચિરાગભાઈ જલારામ વગેરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. તથા વિદ્યાર્થીઓને અને સમગ્ર શાળાને આ સેવા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ રાખડી બનાવવા ઓટોકેડના શિક્ષક શ્રુતભાઈ જોશી, અનિલાબેન, કિરણબેન, દયાબેન, દેવાંશીબેન, દિવ્યાબેન, મનીષાબેન તથા ટેકનિકલના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. તેમ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાની યાદી જણાવે છે.