કાલાવડમાં ખેલ મહાકુંભમાં પ્રથમ નંબરે આવેલી છાત્રાને ત્રણ વાર દોડાવતા તબિયત લથડી
છાત્રાને રાજકોટની હોસ્પિટલે ખસેડાઇ, પરિવારે ન્યાય માટે આંદોલનની ચીમકી આપી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની દિવ્યજ્યોત સ્કૂલમાં આયોજિત ખેલ મહાકુંભ દરમિયાન 100 મીટર દોડની સ્પર્ધામાં મોટો વિવાદ સર્જાયો છે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું અને એક વિદ્યાર્થિનીને પ્રથમ ક્રમાંક જાહેર કરવામાં આવ્યો. પરંતુ પછીથી જાણવા મળ્યું કે બે સ્પર્ધકો દોડમાં ભાગ લીધા વગર જ રહી ગયા હતા. આ કારણે આયોજકોએ આખી સ્પર્ધા રદ્દ કરી ફરીથી દોડાવવાનો નિર્ણય લીધો. આ અન્યાયભર્યા નિર્ણયથી પ્રથમ નંબર આવેલી વિદ્યાર્થીની ત્રણ વખત દોડી હોવા છતાં ફરી દોડાવું પડ્યું હતું. જેના કારણે આ વિદ્યાર્થીની તબિયત લથડતા રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી.
અતિ પરિશ્રમને કારણે તેની તબિયત અચાનક લથડી અને તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને સારવાર બાદ વિદ્યાર્થિનીએ પોતાના માતા-પિતા તેમજ શાળાને આખી ઘટનાની જાણ કરી હતી. વિદ્યાર્થિનીના પિતાએ આ મામલે ગંભીર અન્યાય થયો હોવાનો આક્ષેપ કરતાં રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી છે, જેની તપાસ શરૂૂ થઈ છે.
આ ઘટનાએ આયોજકો, રેફરી તેમજ જિલ્લા રમતગમત અધિકારીઓની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. કાલાવડની દિવ્યજ્યોત સ્કૂલમાં ખેલ મહાકુંભમાં કેમ ખેલ થયો તેને લઈ ચર્ચા ઉઠી છે. દોડમાં પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીની અન્યાય મુદે વિદ્યાર્થિનીના પરિવારજનોએ ન્યાય ન મળે તો આંદોલન કરવાની ચીમકી આપી છે. હાલ આ મામલે સ્થાનિક સ્ત્તાધીશો દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે.