ગુટલીબાજ કર્મચારીઓની રજાઓના કારણોની તપાસ કરશે રાજ્ય સરકાર
લાંબા સમયથી ગેરહાજર કર્મચારીઓનો રિપોર્ટ બનાવવા વિભાગોને આદેશ: રજાના જૂના નિયમોની સમીક્ષા કરાશે
સરકારી કચેરીઓમાં લાંબા સમયથી લાલીયાવાડી ચાલી રહી છે. કેટલાક કર્મચારીઓ પોતાની મનમાની ચલાવતા હોય છે. રજાઓ પર હોવા છતા પણ પગાર મેળવતા હોવાનું ધ્યાને આવતા લાંબા સમયથી ગેરહાજર રહેતા કર્મચારીઓની રજાઓની તપાસ કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ગેરહાજર રહેલા કર્મચારીઓની યાદી તૈયાર કરી રિપોર્ટ આપવા માટે જે તે સરકારી વિભાગના વડાઓને સરકાર દ્વારા સુચના આપવામાં આપતા ગુપ્લીબાજ કર્મચારીઓમાં સોપો અને ફફડાટ ફેલાયો છે.
હવે શિક્ષણ જ નહીં અન્ય વિભાગોમાં પણ સરકારે લાંબી રજા પર ઉતરીને વિદેશમાં જલસા કરતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં લેવા તૈયારી હાથ ધરી છે. શિક્ષણ વિભાગ પછી આરોગ્ય વિભાગમાં પણ ચાલુ નોકરીએ અધિકારીઓના વિદેશ જવાના કિસ્સા સામે આવતાં સરકાર ચોંકી ઊઠી છે. રાજ્ય સરકારે હવે વિદેશગમન માટેના જૂના પુરાણા નિયમોની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે.
સરકારી કર્મચારીઓની રજાના માપદંડ નક્કી કરતા વિભાગોને નિયમોમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં પણ અનેક અધિકારીઓ લાંબી રજા પર ઉતરીને વિદેશમાં જતા રહ્યા હોવાની લાલીયાવાડી ચાલી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ લાંબી રજા પર ઉતરીને વિદેશમાં જતા હોવાના કિસ્સા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા છે.
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર શિક્ષણ અને આરોગ્ય જ નહીં, સરકારના તમામ વિભાગો અને બોર્ડ-નિગમની કચેરીના કર્મચારીઓની રજાના કારણોની તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે તે વિભાગમાં ક્યા કર્મચારી કેટલા દિવસો કે મહિના ગેરહાજર છે તેનો રિપોર્ટ બનાવવા જણાવાયું છે. લાંબી રજા પર ઉતરેલા કર્મચારીઓ કે વિદેશમાં જવાના કિસ્સાની તપાસ કરી જવાબદારો સામે નોટિસ, બરતરફી અને શિક્ષાત્મક પગલાંની કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.