બેફામ સ્પીડે આવતી કાર ફૂટબોલની જેમ ફંગોળાઇ
150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક નજીક મોડી રાત્રે અકસ્માત, કારચાલક પીધેલો હોવાની શંકા
શહેરમાં બેફામ સ્પીડે વાહન ચલાવતા ચાલકો અવાર-નવાર અકસ્માતો સર્જતા હોય છે. પોલીસ કોઇ નક્કર કાર્યવાહી કરતી ન હોવાથી નબીરાઓ પુર ઝડપે વાહન ચલાવી અન્ય લોકોની જીંદગી દાવ પર લગાવે છે. ત્યારે શહેરના 150 ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસે ગત મોડી રાત્રે બેફામ સ્પીડે આવતી કાર ફુટબોલની જેમ ફંગોળાઇ ગોથા ખાઇ ગઇ હતી.
જાણવા મળતી વિગત મુજબ 150 ફુટ રીંગરોડ પર શિતલ પાર્ક ચોકડી નજીક ગત રાત્રે દોઢ વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફુટપાથ સાથે અથડાયા બાદ ફુટબોલની માફક ફંગોળાઇને રોડ પર પાંચથી છ ગોથા થઇ પલટી ગઇ હતી.
બનાવની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મોડી રાત્રીનો સમય હોવાથી સદનશીબે જાનહાની થવા પામી ન હતી.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કારની સ્પીડ 100-120ની હોવાનું અને કારચાલક પીધેલી હાલતમાં હોવાની શંકા સેવાઇ રહી છે.સમગ્ર અકસ્માતના સીસીટીવી ફુટેજ વાયરલ થયા છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.