બેડી-માલિયાસણ નજીક કલેકટર તંત્રના બૂલડોઝરની ધણધણાટી
ખેરડીમાં 8 કરોડની બે એકર જમીન પરથી 10 પાનના થડા, ત્રણ વાડા અને એક પાકુ મકાન તોડી પડાયું
બેડી ચોકડી પાસે પાનની ત્રણ દુકાનો, નોનવેજ રેસ્ટોરન્ટ, એક સ્ક્રેપ અને પંચરની દુકાનનું ડિમોલિશન, 10 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ
રાજકોટ કલેકટરના આદેશ છુટતા આજે રાજકોટ-મોરબી રોડ પર બેડી ચોકડી પાસે રૂા.10 કરોડ અને અમદાવાદ હાઇવે પર ખેરડી જવાના રસ્તે બે એકર સરકારી જમીન પર ખડકી દેવાયેલ દબાણ પર મામલતદારોની સુચનાથી બુલડોઝરની ધણધણાટી બોલાવવામાં આવતા પાનની દુકાનો, નોનવેજ રેસ્ટોરન્ટ, પંચની દુકાન અને એક મકાનને જમીન દોસ્ત કરવામાં આવ્યું હતું.
મામલતદાર એસ.જે. ચાવડા અને તેમની ટીમે આજે સવારે બેડી ચોકડી પાસેના રે.સ.નં. 27 પૈકીની આશરે 1000 ચોરસ મીટર સરકારી ખરાબાની જમીન પરના કુલ સાત ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કર્યા હતા. આ દબાણોમાં બુટ ભવાની, પાન એન્ડ કોલ્ડ્રીંકસ, શેરડીનો ચીચોડો, લાજવાબ નોનવેજ રેસ્ટોરન્ટ, લાજવાબ પાન અને કોલ્ડ્રીંકસ, સતગુરુ સ્ક્રેપ અને એક પંચરનું કામચલાઉ સ્ટ્રક્ચરનો સમાવેશ થતો હતો. તંત્ર દ્વારા આ તમામ દબાણોને દૂર કરીને 10 કરોડની જમીનને ખુલ્લી કરવામાં આવી હતી.
આ કાર્યવાહી પહેલાં, સર્કલ ઓફિસર સત્યમભાઈ શેરસીયા અને તલાટી ઘારાબેન વ્યાસ દ્વારા તારીખ 08/04/2025ના રોજ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. જો કે, દબાણકર્તાઓ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં દબાણ દૂર કરવામાં ન આવતા, આજે તારીખ 22/04/2025ના રોજ આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અગાઉ અનેક નોટિસો આપવા છતાં પણ દબાણ દૂર કરવામાં ન આવતા કોમર્શિયલ બાંધકાણો પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં બે એકર જેટલી સરકારી જમીન પરના 10 પાનના થડા, ત્રણ વાડા અને એક પાકું મકાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ જમીનની અંદાજિત કિંમત 7 થી 8 કરોડ થવા જઈ છે.
આ દબાણ દૂર કરવાની કામગીરીમાં તાલુકા મામલતદાર મકવાણા, નાયબ મામલતદાર રઘુવીર સિંહ વાઘેલા,સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા,તેજ લુણાંગરીયા, તલાટી મંત્રી અને પોલીસ અધિકારીની ટીમ સ્થળ પર હાજર રહીને આ દબાણ દૂર કરવાની હાથ ધરવામાં આવી હતી.