શાળામાં લાગેલી આગની માહિતી છુપાવવા રાતોરાત કલર કરી નાખ્યો
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં રાજકોટ જેવો અગ્નિકાંડ સહેજમાં ટળ્યો; વાલીઓએ હોબાળો મચાવતા અધિકારીઓ દોડયા ને ભાંડો ફૂટયો
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના લળકારા હજુ ઓલવાયા નથી ત્યાં અમદાવાદની શાળામાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે શાળાએ આગની વાત છુપાવી હતી અને બાળકોએ સમગ્ર હક્કિત જણાવતા વાલીઓ દ્વારા હોબાળો મચાવતા સંચાલકોએ આગ વાળા કલાસરૂમમાં કલર કરી નાખ્યાનો પણ ભાંડો ફૂટ્યો હતો. આ આગમાં ગુંગણામણથી કેટલાક છાત્રો બેભાન થયા હોવાનો દાવો પણ કરાયો છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કુલના બીજા માળે શાળાના સમયે વિદ્યાથીસ્ઓ અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે સ્પાર્કના કારણે બેઝમેન્ટના કલાસ રૂમમાં આગ લાગી હતી. પરંતુ આ આગની જાણ વાલીઓથી સંચાલકો દ્વારા છુપાવવામાં આવી હતી. જે વાતની જાણી વાલીઓને થતા વાલીઓ દ્વારા શાળા પર દોડી જઇ અને હોબાળો મચાવ્યો હતો અને સંચાલકોને ઘેર્યા હતા. વાલીઓના હોબાળા બાદ સમગ્ર બનાવ બહાર આવતા શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ શાળાઓ દોડી આવ્યાં હતા.
આ અંગે વાલીઓએ જણાવ્યુ હતુ કે આ વાત શાળાના સંચાલકો દ્વારા અમારા છુપાવવામાં આવી હતી અને જે કલાસરૂમમાં આગ લાગી હતી. તેમાં રાતોરાત કેસરી કલર કરી દેવામાં આવ્યો હતો. આગ લાગવા સમયે ત્યા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને આગના કારણે કેટલાક વિદ્યાર્થીઓ ગુંગળામણ અનુભવતા બેભાન થઇ ગયા હોવાનો દાવો પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી બાળકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સમગ્ર ઘટનાનો પડઘો છેક શિક્ષણ વિભાગ અને સરકાર સુધી પડ્યો છે અને સમગ્ર રાજયમાં ચકચાર મચી ગયો છે.શાળા સંચાલકોએ કહ્યું, આ મોકડ્રીલ હતીવાલીઓએ હોબાળો મચાવતા શાળા દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે, આ એક મોકડ્રીલ હતી. પરંતુ વાલીઓએ આ અંગે કહ્યું કે, જો શાળામાં મોકડ્રીલ હોય તો તેમણે વાલીઓને આ અંગે જાણકારી આપવી જોઇએ. મોકડ્રીલ ગ્રાઉન્ડમાં યોજવી જોઇએ. શાળાના બીજા માળે મોકડ્રીલ ન યોજાય. જે અંગે વાલીઓએ આરોપ લગાવ્યો કે, શાળાના સંચાલકો વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને ખોટું બોલીને ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે બાદમાં શાળા સંચાલકોએ પણ આગ લાગ્યાનું સ્વીકારી લીધું હતું.
શાળા બંધ કરાઇ: બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવા નિર્ણય
શાંતિ એનિયાટીક શાળામાં આગની ઘટના બની હોવાની માહિતી સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ તુરંતુ એકશનમાં આવ્યુ છે. અને હાલ શાળાને બંધ કરવામા આવી છે. તપાસના ઓડર આપવામા આવ્યા છે. તપાસ પૂરી ન થાય ત્યા સુધી શાળા બંધ રહેશે અને બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામા આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમારા છોકરાં મરવા નથી મોકલતા-વાલીઓ
વાલીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, તમે બાળકોની સેફ્ટીનો વિચાર કરો માત્ર બિઝનેસનો જ વિચાર ન કરો. અમે તમારા વિશ્વાસથી અમારા બાળકોને અહીં મોકલીએ છીએ. અમે અમારા છોકરા અહીં મરવા માટે નથી મોકલતા. અમે જ્યારે પાંચમા માળેથી નીચે ઉતર્યા ત્યારે બધે જ ધુમાડો ધુમાડો જ હતો. ટીચરો બધા મોબાઇલની લાઇટ ચાલુ કરીને ઉભા હતા. સ્કૂલવાળા તો અહીં આગ લાગી હતી તેવું માનવા જ તૈયાર નથી. જો શિક્ષકો જ જુઠ્ઠું બોલે છે તો બાળકો તેમની પાસેથી શું શિખશે.
તમામ પ્રકારની ચકાસણી બાદ નિયમ મુજબ કાર્યવાહી થશે : ડીઇઓ
શાળાએ આગની ઘટના છુપાવતા વાલીઓએ હોબાળો મચાવતા સમગ્ર મામલો સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા. અને વાલીઓની ફરિયાદ લીધા બાદ કહ્યું હતુ કે વાલીઓની ફરિયાદ ધ્યાને લેવામાં આવી છે. તમામ પ્રકારની ચકાસણી કરવામા આવશે અને ત્યાર બાદ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે..