ધોરાજી પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે શાસક-વિપક્ષ સામસામે
19 લાખના ગોટાળાના કોંગ્રેસના આક્ષેપને ફગાવતા ભાજપના નેતાઓ : બહુમતી વગર જ અમૂક ઠરાવ પાસ કર્યા હોવાના આક્ષેપ
ધોરાજીના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ધોરાજી નગરપાલિકાની સામાન્ય સભામાં લેવાયેલા એક નિર્ણયને લઈને વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર આશરે 19 લાખ રૂૂપિયાના ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. તો બીજી તરફ, ભાજપે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને કોંગ્રેસના શાસનકાળના કથિત ભ્રષ્ટાચારની તપાસ કરાવવાની ચીમકી ઉચ્ચારી છે.
વિવાદનું કેન્દ્ર એવું ધોરાજી નગરપાલિકાની 28 જુલાઈના રોજ મળેલી સામાન્ય સભા. આ સભામાં વિષય નંબર ત્રણ હેઠળ શહેરમાં મોરમ અને મેટલ પાથરવાના કામને લગતો ઠરાવ નંબર 44 પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવને ગેરકાયદેસર ગણાવીને ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ શાસક પક્ષ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે પ્રમુખે પોતાની સત્તા બહાર જઈને અને બહુમતી ન હોવા છતાં આ ઠરાવ પસાર કરાવ્યો છે.
આ ઠરાવ ગેરકાયદેસર, કાયદા વિરુદ્ધનો, ખોટો ઠરાવ ઊભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે એ હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે. પ્રમુખને જે સત્તા નથી, ખર્ચ કરવા માટેની, એ સત્તા બહારનો ખર્ચ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. આશરે સાડા ઓગણીસ લાખ રૂૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અમે 19 સપ્ટેમ્બરના રોજ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરેલ છે.
કોંગ્રેસે આ મામલે પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઇકોર્ટમાં જવાની પણ તૈયારી બતાવી છે. જોકે, કોંગ્રેસના આ ગંભીર આક્ષેપો બાદ શાસક પક્ષ ભાજપે આક્રમક રીતે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના આગેવાનોએ આ તમામ આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યા છે.
કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે અને પાયાવિહોણા આક્ષેપો કરે છે. જે બિલની વાત કરે છે, એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં નગરપાલિકામાં આવ્યું જ નથી, પછી એની ચુકવણીનો પ્રશ્ન જ નથી રહેતો. હવે જે વસ્તુની ચુકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય? આ તદ્દનતર પાયાવિહોણો આક્ષેપ છે.
ભાજપે સ્પષ્ટતા કરી કે ચોમાસા પહેલાં જનતાને હાલાકી ન પડે તે માટે દર વર્ષે મોરમ પાથરવાનું આયોજન કરવામાં આવે છે અને આ કામ વિરોધપક્ષના સભ્યોના વોર્ડમાં પણ કરવામાં આવ્યું છે. ભાજપ અહીં અટક્યું નહીં, તેમણે કોંગ્રેસના પાંચ વર્ષના શાસન દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચારના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.
કોંગ્રેસવાળાએ છેલ્લા પાંચ વર્ષની અંદર શું કર્યું એ પણ હવે અમે તપાસ કરશું. કોરોના કાળ દરમિયાન એને જે પતરા (આપ્યા હતા) એ ક્યાં ગયા? શાક માર્કેટનો કાટમાળ ક્યાં ગયો? એ બધુંય હવે અમે પણ પૂછશું કે આ તમારા સમયની અંદર ભ્રષ્ટાચારો થયા એનું શું? એની પણ હવે અમે તપાસ માંગશું.
આમ, બંને પક્ષો દ્વારા સામસામા આક્ષેપોથી ધોરાજીનું રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ ઠરાવને ગેરકાયદેસર ગણાવીને ભ્રષ્ટાચારના આરોપ સાથે પોલીસ સ્ટેશન પહોંચી છે, તો બીજી તરફ ભાજપ કામ થયું પણ ચૂકવણું નહીં, તો ભ્રષ્ટાચાર ક્યાંથી? એવો તર્ક આપીને સામા પક્ષ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહી છે. હવે આ મામલે પોલીસ તપાસ અને આવનારા સમયમાં કાયદાકીય કાર્યવાહી પર સૌની નજર રહેશે.