સ્વામિનારાયણના સંતોના બફાટ સામે સનાતની પુણ્યપ્રકોપ ભભૂક્યો
ધર્મ માટે જરૂર પડે તો તલવાર ઉપાડવાની અને ખપી જવાની પણ તાકાત છે : મણીધરબાપુ
દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો ભરાઈ ગયા છે : પબુભા માણેક
જાણીજોઈને દ્વારકાધીશથી મોટુ થવાની કોશિશ ના કરાય : માયાભાઈ આહિર
સ્વામિનારાયણના સંતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી સનાતનીઓની લાગણી દુભાવતા નિવેદનો થતાં રહે છે જલારામબાપા, ગંગામૈયા, ભગવાન દ્વારકાધીશના સંદર્ભમાં અયોગ્ય ટિપ્પણીના મામલે હવે સાધુ-સંતો અને સમાજના અગ્રણીઓનો પુણ્ય-પ્રકોપ સામે આવી રહ્યો છે. સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણાદાસજી દ્વારા શ્રી કૃષ્ણ પર જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મામલો ઉગ્ર થતો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે પહેલાથી ભક્તોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. ત્યારે વધુમાં હવે મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણિધરબાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાઈ બફાટ કરે છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, ધર્મ માટે જરૂૂર પડશે તો તલવાર ઉપાડવાની અને ખપી જવાની તાકાત પણ છે.વાત આટલેથી પૂરી નથી થતી કારણ કે મણિધરબાપુએ જે વીડિયો અપલોડ કર્યો છે તેમાં તેમણે બફાટ કરનાર સ્વામી પર તેમનો બરોબરનો રોષ ઠાલવ્યો અને કહ્યું કે, આ લોકો આતંકવાદી છે. સાથે જ તેમણે કહ્યું કે, બફાટ કરનાર સ્વામી જ્યાં સુધી ભગવાન દ્વારકાધીશ અને શંકરાચાર્ય પાસે આવીને માફી નહીં માગે ત્યાં સુધી તેઓ માફ નથી કરવાના અને આગામી દિવસોમાં તેઓ ઉપવાસ પર બેસશે. મણિધરબાપુનો બનાવેલો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં યુઝર્સ પણ તેમના સમર્થનમાં ઉતર્યા છે. સમગ્ર મામલે તેમણે બફાટ કરનાર સ્વામીને આડે હાથ લીધા જેમાં વીડિયોમાં તેઓ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા હતા. જેને લઈને મામલો ઉગ્ર બન્યો હતો. થોડાક દિવસો પહેલા જ સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપાને લઈને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષનો માહોલ ફેલાયો હતો. સાથે જ વિરપુરમાં પરિસ્થિતિ વણસી હતી. ત્યારે વધુમાં ફરી એક સ્વામી દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. જેને લઈને હવે મામલો ગરમાયો છે.
પબુભા માણેક
પબુભા માણેકે કહ્યું કે દ્વારકાધીશ એ સંઘર્ષ અવતાર છે. દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો પુરા થઇ ગયા છે. સનાતન ધર્મ ચારેય યુગમાં સનાતન છે. અત્યારે નવા-નવા કોઈ ઊપડ્યાં હોય તો અમે વિરોધ નથી કરતા, હીન્દુઓ કે કોઈએ વિરોધ નથી કાર્યો, પણ તમે તમારી જગ્યાએ રહો. તમે જો બીજાને નીચા ઉતારી આવું બોલતા હો તો હું એક દાખલો દઉં કે રાવણની સોનાની લંકા થઇ, રાવણે તપ કર્યું અને રાવણને અતિશય અભિમાન આવ્યું. પછી કંસને અભિમાન આવ્યું, બધાને અભિમાન આવ્યાં છે.મને લાગે છે આ સંસ્થામાં પૈસા ખુબ વધી ગયા લાગે છે અને તાકાત આવી ગઈ છે, નહીં તો આવી કબુદ્ધિ સૂઝે નહીં.પબુભાએ આગળ કહ્યું કે સ્વામિનારાયણમાં બધા આવા ન હોય, જે જે મને સાંભળતા હો એ આવાને સમજાવો, જેને ધર્મ વિશે ખબર નથી, સનાતન વિશે ખબર નથી એમને સમજાવો કે આ બધું રહેવા દો. આપણા સનાતન ધર્મમાં ચોખ્ખું લખ્યું છે કે સનાતન ધર્મ વિશેષ છે. ઇસ્લામને કે બીજા કોઈને કહેવાનો અધિકાર નથી, તમે તો હિન્દૂ પર નભો છો અને આ રીતની વાતો કરો છો? તમે જે પણ ધર્મને માનતા હો એને માણો પણ સનાતન ધર્મને સારું ન લાગે એવો એક પણ શબ્દ બોલો નહીં.રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું કે સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે ટિપ્પણી કરી છે તેને હું વખોડી નાખું છું. દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે. એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં. બીજા કોઈ લોકો બોલે, સંત બોલે એનો કોઈ અર્થ નથી. દ્વારકાધીશ હાજરાહજૂર છે અને તેમની સામે ટિપ્પણી કરવામાં આવે એ દુ:ખની વાત છે.
માયાભાઈ આહિર
માયાભાઈ આહીરે જણાવ્યું કે, મારી ગૂગળી બ્રહ્મ સમાજના અધ્યક્ષસ સમસ્ત બ્રહ્મ સમાજ, આહીર સેનાના પ્રમુખ સાથે વાત થઈ છે. આજે સમગ્ર સનાતન ધર્મ ઉભો થયો છે. જાણી જોઈએ કરવામાં આવે તેને ભૂલ કે બફાટ ના કહેવાય. તેઓ (સ્વામીનારાયણના સાધુ) છાપેલી વાતો કહી રહ્યા છે. આમ જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ના કરાય. હજુ સુધી દ્વારકાધીશનો નેજો અર્થાત 52 ગજની ધજા બીજા કોઈ ભગવાનના મંદિર પર નથી. દ્વારકામાં ભગવાન કૃષ્ણ છે, જે જગદગુરુ છે.દ્વારકાધીશ આપણા સૌની આસ્થાનું પ્રતિક છે. તેમના વિશે આવી વાતો સહન ના થાય. આવી ટિપ્પણીઓથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે, જે સમાજ માટે યોગ્ય નથી. દ્વારકાધીશ ભગવાન વિશે કોઈ પણ પ્રકારની ખોટી વાતો ફેલાવવી એ યોગ્ય નથી. આ આપણા સૌની આસ્થાનો વિષય છે. હું સરકારને વિનંતી કરું છું કે આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે.