મંદીએ મોઢું ફાડયું! સતત બીજા મહિને દસ્તાવેજોની નોંધણી ઘટી
સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીની સરકારી આવકમાં પણ ઘટાડો
મે માસમાં 14580 દસ્તાવેજ સામે જૂનમાં 12088 દસ્તાવેજોની નોંધણી
રાજકોટ શહેર અને જિલ્લામાં સતત બીજા મહિને દસ્તાવેજની નોંધણી અને સ્ટેમ્પ ડયુટીની આવક ઘટી છે. મે બાદ જૂન મહિનામાં પણ આવકનો ઘટાડો થયો છે. જેના પગલે રીયલ એસ્ટેટમાં મંદીનો માહોલ હોવાનો સ્પષ્ટ થયું છે. જૂન મહિનામાં દસ્તાવેજની નોંધણી પેટે 56.87 કરોડની આવક થઈ છે જે મે મહિના કરતાં આશરે 9 કરોડ જેટલી ઘટી છે. તેમજ મે મહિનામાં 14580 દસ્તાવેજ સામે જૂન મહિનામાં 12088 દસ્તાવેજની નોંધણી થઈ છે.
વૈશ્ર્વિક પરિસ્થિતિ જોતા બે મોરચે યુધ્ધ ચાલી રહ્યાં છે. તેમજ સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી છે ત્યારે લોકો હાલની પરિસ્થિતિમાં જમીન-મકાન-પ્લોટ કે ફલેટ ખરીદવાની જગ્યાએ ફીકસ રિર્ટન આપતી જગ્યાએ રોકાણ કરવાનું પસંદ કરી રહ્યાં છે. જેના પગલે શહેર અને જિલ્લાની 18 સબ રજિસ્ટાર ઓફિસમાં દસ્તાવેજ નોંધણીમાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂન 2025માં 18 સબ રજિસ્ટાર ઓફિસ થઈને 12088 દસ્તાવેજની નોંધણી થઈ હતી. જેની રજીસ્ટ્રેશન ફી પેટે 9,83,17,141 રૂપિયાની આવક થઈ હતી અને સ્ટેમ્પ ડયુટી પેટે 56,87,84,995 રૂપિયા મળી કુલ રૂા.66,71,02,136ની આવક નોંધાઈ હતી.
જૂન મહિનામાં સૌથી વધુ દસ્તાવેજ મોરબી રોડ કચેરી ખાતે નોંધાયા હતાં. મોરબી રોડ કચેરી ખાતે કુલ 1677 દસ્તાવેજ નોંધાયા હતાં. જ્યારે બીજા નંબરે ગોંડલ સબ રજિસ્ટાર ઓફિસમાં 1159 દસ્તાવેજ નોંધાયા હતાં. જ્યારે ત્રીજા ક્રમે મવડી સબ રજિસ્ટારમાં 1056 ત્યારબાદ રૈયા સબ રજિસ્ટાર ઓફિસમાં 1008 દસ્તાવેજ નોંધાયા હતાં.
મે મહિનામાં રજીસ્ટ્રેશન ફી પેટે 10.78 કરોડ અને સ્ટેમ્પ ડયુટી પેટે 64.94 કરોડની આવક થઈ હતી. જે જૂન મહિનામાં ઘટીને 9.83 કરોડ અને 56.87 કરોડ થઈ ગઈ છે. મે મહિનામાં 14580 દસ્તાવેજ સામે જૂન મહિનામાં 12088 દસ્તાવેજ નોંધાયા હતાં.
રિયલ એસ્ટેટ ક્ષેત્રને બેવડો માર, રોયલ્ટી વધતાં કાચો માલ મોંઘો અને લેવાલીના નામે મીડું
હાલમાં સાદી રેતી, બ્લેક ટ્રેપ સહિતની ખનીજોની રોયલ્ટી વધારી દેતાં બિલ્ડરોને ફલેટ કે મકાન તૈયાર કરવા માટે કાચા માલમાં ભાવ વધારો આવી ગયો છે. જ્યારે સામે ખરીદારી બહુ જ પાતળી જોવા મળી રહી છે. પરિણામે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હજુ વધુ મંદી આવે તેવા એંધાણ લાગી રહ્યાં છે. હવે ચોમાસુ પુરૂ થાય ત્યારબાદ દિવાળી પહેલા ઘરાકી નીકળે તેવી બિલ્ડરો આશા વ્યકત કરી રહ્યાં છે.