રિલ્સનું ‘વળગણ’ ભારે પડ્યું, 62 વર્ષના વૃધ્ધા એક તરફી પ્રેમમાં પડ્યા, રિપ્લાય ન મળતા ડિપ્રેશનમાં ગયા!
પુત્ર-પુત્રવધુએ માતાની આ દશા જોઇ એપ્લિકેશન ડીલીટ કરી નાખતા વૃધ્ધાએ જમવાનું બંધ કરી દીધું!
સોશિયલ મીડિયામાં રીલ્સનો ચસકો લાગ્યા બાદ માંજલપુરનાં 62 વર્ષનાં વૃદ્ધા રીલ્સ બનાવતા યુવકના એક તરફી પ્રેમમાં પડી પરિવારને ભૂલી ગયાં હતાં. યુવકની રીલ્સ પર લાઈક અને કોમેન્ટ ન કરે ત્યાં સુધી વૃદ્ધાને ઊંઘ પણ આવતી ન હતી. જ્યારે કોમેન્ટ કરી હોય તેની સામે યુવકે કોઈ રિપ્લાય ન આપ્યો હોય તો વૃદ્ધા ડિપ્રેશનમાં આવી જતાં હતાં. માતાની આ દશા જોઈને વ્યથિત થયેલાં પુત્ર-પુત્રવધૂએ તેમના મોબાઈલમાં રહેલી એપ્લિકેશન ડિલિટ કરાવી દેતાં વૃદ્ધાએ જમવાનું છોડી દીધું હતું.ડિપ્રેશનમાં આવી ગયેલી માતા અંગે પુત્રે અભયમની મદદ લેવી પડી હતી.
અભયમની ટીમે જણાવ્યું કે, માંજલપુરમાં રહેતાં 62 વર્ષીય વૃદ્ધા સોશિયલ મીડિયામાં રીલ્સ માટે જાણીતી એપ્લિકેશનનો ઉપયોગ કરતાં હતાં. તેઓ મોટાભાગનો સમય રીલ્સ જોવામાં જ પસાર કરતાં હતાં. દરમિયાન તેઓને અલગ-અલગ વિષય પર રીલ્સ બનાવતા યુવકની રીલ્સ ગમવા લાગી હતી.જેથી તે બાકી બધી રીલ્સ જોવાને બદલે આ યુવકના જ વીડિયો જોઈને તેના એક તરફી પ્રેમમાં પડી ગયાં હતાં.
આ સમગ્ર ઘટના અંગે વૃદ્ધાનાં દીકરા અને વહુએ અભયમની મદદ લીધી હતી. દીકરાએ જણાવ્યું હતું કે, માતાની આ દશા જોઈને અમે તેમના મોબાઈલમાંથી એપ્લિકેશન ડિલિટ કરી દીધી હતી. જેને કારણે તેઓએ જમવાનું બંધ કરી દીધું હતું અને બધા સાથે ઝઘડો કર્યા કરે છે. જ્યારે એપ્લિકેશન ડિલીટ કરાવતાં વૃદ્ધા ડિપ્રેશનમાં આવી ગયાં હતાં. અભયમ દ્વારા વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમને સમજાવ્યું હતું કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી જાણકારી મળી રહે છે, પરંતુ તેની આદત ન પડવી જોઈએ.જ્યારે દીકરા અને પુત્રવધૂને પણ માતાને એકલાં ન મૂકવા તેમજ તેમની સાથે લાગણીથી વાતચીત કરવી, બહાર સાથે ફરવા લઈ જવાં, બહુ ટોકટાક ન કરવી સહિતનો વ્યવહાર કરવા અનુરોધ કર્યો હતો.