બાબુશાહી અને રાજકીય કાવાદાવાનો ભોગ બન્યો લોકમેળો
રાજકોટમાં પ્રથમ વખત મોટી રાઇડ્સના આકર્ષણો વગર યોજાશે મન વગરનો મેળો, ધંધાર્થીઓ રાજકોટ-ગાંધીનગર વચ્ચે ચક્ક્ર કાપતા રહ્યા ત્યાં મુદત પૂરી
238 સ્ટોલ સામે માત્ર 28 ફોર્મ ભરાયા, નાના ધંધાર્થીઓ ખસી જાય તો મેળો બની જશે સરકારી પ્રદર્શન
સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો જન્માષ્ટમીનો મેળો અંતે ચકડોળે ચડી ગયો છે. માર્ગદર્શિકા અને જડ નિયમો વચ્ચે અધિકારીઓએ પણ જકડી વલણ અપનાવતા અંતે મન વગરનો મેળો યોજાય તેવી સ્થિતિ સર્જાયેલ છે. રાજકોટના લોકમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત ચકડોળ અને મોટી ચકરડી જેવા મોટા આકર્ષણો વગર મેળો યોજાશે.
લોકમેળામાં મોટી યાંત્રીક રાઇડસ રાખવા માટેના પ્લોટના ફોર્મ ભરવાની મુદત ગઇકાલે પુર્ણ થઇ જતા ચકડોળ અને મોટી ચકરડી સહીતની યાંત્રીક રાઇડસ માટે લોકમેળાના દરવાજા હવે બંધ થઇ ગયા છે.
બીજી તરફ યાંત્રીક રાઇડસના ધંધાર્થીઓએ ગઇકાલે સાંજે પણ યાંત્રિક વિભાગના સચીવને મળીને વચલો રસ્તો કાઢવા પ્રયાસો કર્યા હતા. પરંતુ સચીવે બે-ત્રણ દિવસ બાદ જવાબ આપવાનું જણાવી ધંધાર્થીઓને રવાના કરી દીધા હતા.
હવે રાજકીય લોકમેળા સમિતિએ નાના યાંત્રિકના ધંધાર્થીઓ અને રમકડાના સ્ટોલના ફોર્મ ભરવાની મુદત સોમવાર સુધી લંબાવી છે પરંતુ જો આ ધંધાર્થીઓ ફોર્મ નહીં ભરે તો લોકમેળાને સાંસ્કૃતિક કાર્યક્રમોનો રંગમંચ બનાવવો પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.
ટુંકમાં કહીએ તો રાજકોટનો પરંપરાગત લોકમેળો તુમારશાહી અને નમાલી નેતાગીરીના કારણે યોજી શકાય નહીં અને યોજાય તો લોકમેળામાં આવે જ નહીં તેવુ ચિત્ર ઉપસ્યું છે.
રાજકોટમાં નાની-નાની વાતમાં ગળાફાડી ફાડીને જશ લેતા ભાજપના એક પણ ધારાસભ્ય, સંસદસભ્ય, મહાનગરપાલિકાના પદાધિકારી કે નેતાએ લોકમેળો યોજાય તે માટે રસ લીધો નથી. ઉલ્ટાનું એક ધારાસભ્યએ તો ટ્રાફીક ન્યુસન્સના નામે રેસકોર્ષમાં લોકમેળો ‘યોજાય જ નહીં અને યોજાય તો મજા મરી જાય’ તેવા જોરશોરથી પ્રયાસો કર્યાની ચર્ચા છે અને તેથી જ ગાંધીનગરથી મેળાના ધંધાર્થીઓને કોઇ મદદ નહીં મળ્યાનું મનાય છે.
રાજકોટમા દર વર્ષે જન્માષ્ટમીના મેળામાં જ્યાં 15 લાખથી વધુ લોકો ઉમટી પડતા હોય છે, તે રેસકોર્સ મેદાનમાં 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા પરંપરાગત મેળામાં રાજ્ય સરકારની કડક SOP વહીવટી તંત્ર દ્વારા લાગુ પાડવામાં આવી. જેમાં યાંત્રિક રાઈડ માટે રાઈડ હેઠળ RCC ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને GST સાથેનુ રાઈડનુ બિલ માંગવામાં આવેલું હતું જેને લઈને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી ત્રીજી મુદત કાલે પૂર્ણ થઈ.
મુદ્દત પૂરી થઈ ગયા બાદ પણ 34 યાંત્રિક એટલે કે મોટી રાઈડ રાખવા માટે એક પણ ફોર્મ ભરાયું નથી. જેથી, આજે કલેકટર દ્વારા ચકડોળ વિનાનો જ લોકમેળો યોજવાનો નિર્ણય લેવાયો છે. જેને કારણે અન્ય સ્ટોલ અને પ્લોટ ધારકો દ્વારા પણ ફોર્મ ભરવામાં નિરસતા દાખવવામાં આવી છે. જેને કારણે 238 સ્ટોલ - પ્લોટ સામે માત્ર 28 ફોર્મ જ આવ્યા છે. જોકે આનાથી એ વાત ચોક્કસપણે સાબિત થઈ ગયુ છે કે સૌરાષ્ટ્રનું પોલિટિકલ હબ ગણાતા રાજકોટના નેતાઓને લોકો માટે યોજાતા મેળામાં કોઈ રસ નથી.
રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે ગઇકાલે છેલ્લી તારીખ સુધીમાં લોકમેળામાં યાંત્રિક રાઈડ રાખવા માટે એક પણ ફોર્મ ભરવામાં આવ્યું નથી. ત્રણ મુદ્દત આપ્યા બાદ પણ ફોર્મ ભરવામાં ન આવતા હવે યાંત્રિક રાઈડ ધારકોને ફોર્મ ભરવા દેવામાં નહીં આવે. જ્યારે યાંત્રિક રાઈડ વિના મેળો યોજવા માટે નવો લેઆઉટ નક્કી કરવામાં આવશે જે સોમવારે જાહેર કરવામાં આવશે. નવા લેઆઉટ બાદ ચકરડી, રમકડા, ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત મનોરંજનની પ્રવૃત્તિઓ માટેના કયા પ્રકારના સ્ટોલ રાખવા તે નક્કી કરવામાં આવશે.
રાઈડ વિનાનો મેળો ફિક્કો લાગે અને તેમા લોકો ઓછા આવતા અન્ય વેપારીઓને પણ નુકસાન જવાની ભીતિ છે અને તેથી જ અન્ય સ્ટોલ અને પ્લોટ રાખવા માટે 238 સ્ટોલ - પ્લોટ સામે માત્ર 28 જ ફોર્મ ભરાયા છે. જો અન્ય સ્ટોલ કે પ્લોટ માટે પણ ખૂબ જ ઓછા ફોર્મ ભરાઈને આવશે તો લોકમેળાના આયોજન સામે પણ પ્રશ્નાર્થ સર્જાઇ જશે.
ધંધાર્થીઓને ઉલ્લુ બનાવાયા
ગુજરાત મેલા એસોસિએશનના સભ્ય પરેશ ભટ્ટે જણાવ્યું હતું કે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક અને મેળા માટે કડક SOP બનાવવામાં આવી. જોકે તેમાં પરંપરાગત લોકમેળામાં રાઈડ માટે GST સાથેનું બીલ, રાઈડ હેઠળ RCC ફાઉન્ડેશન સહિતના નિયમો બનાવવામાં આવેલા છે જેનો વિરોધ છે. આ બાબતે ગાંધીનગર ખાતે છેલ્લા એક મહિનાથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ ત્યારે રાજ્ય સરકારનું કહેવું છે કે SOPમાં છૂટછાટ આપવાની સત્તા કલેકટરને આપેલી છે ત્યારે રાજ્ય સરકાર અમને ઉલ્લુ બનાવી રહી છે એવું લાગી રહ્યું છે.