બોર્ડની પરીક્ષા વહેલી લેવાની વાતો વચ્ચે કાર્યક્રમ વિલંબમાં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધોરણ-10 અને 12ની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં જ શરૂૂ કરવાનું આયોજન કરાયું છે. પરંતુ હજુ સુધી પરીક્ષાને લઈને કાર્યક્રમ જાહેર કરાયો ન હોવાનું સામે આવ્યું છે. માર્ચ-2024ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી લેવામાં આવી હતી, પરંતુ તે અંગેનો કાર્યક્રમ 13 ઓક્ટોબરના રોજ જાહેર કરી દેવામાં આવ્યો હતો.
જોકે, આગામી પરીક્ષા વહેલી યોજવાનું આયોજન કરાયું હોવાથી વહેલો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેવી શક્યતા હતી. પરંતુ હજુ સુધી કાર્યક્રમ જાહેર કરાયો ન હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂૂઆતમાં એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જે અનુસાર આગામી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી, 2025થી 13 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવનાર હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા અત્યાર સુધી ધોરણ-10 અને 12ની પરીક્ષા માર્ચ માસમાં લેવામાં આવતી હતી, પરંતુ આ વખતે પ્રથમ વાર વહેલી પરીક્ષાનું આયોજન કરી ફેબ્રુઆરી માસમાં જ પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી. આમ, પરીક્ષા વહેલી યોજવાનું નક્કી કરાતા પરીક્ષાને લગતી અન્ય તમામ કામગીરી દરમિયાન, હજુ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરાયો ન હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. માર્ચ-2024માં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજવામાં આવી હતી. જોકે, આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયારીનો પુરતો સમય મળી રહે તે માટે 13 ઓક્ટોબરના રોજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આગામી પરીક્ષા વહેલી યોજવામાં આવનાર હોવાથી પરીક્ષાનો કાર્યક્રમ પણ વહેલો જાહેર કરવામાં આવવો જોઈએ, તેના બદલે હજુ સુધી કાર્યક્રમ જ જાહેર કરાયો ન હોવાનું જાણવા મળે છે.
બીજી બાજુ, ગત પરીક્ષા માટે 26 ઓક્ટોબરથી વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી હતી. પરંતુ ચાલુ વર્ષે હજુ કાર્યક્રમ જાહેર કરાયો ન હોય તેવી સાથે ફોર્મ ભરવાની કાર્યવાહી માટે પણ કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જેથી વહેલી પરીક્ષાના આયોજન સામે અન્ય પ્રકારની કામગીરી વહેલી યોજવામાં આવી ન હોવાનું જાણવા મળે છે. ગતવર્ષ કરતા આ વખતે લગભગ બે સપ્તાહ વહેલી પરીક્ષા યોજવામાં આવનાર છે, તો પરીક્ષાનો કાર્યક્રમ પણ બે સપ્તાહ પહેલા જાહરે કરવો જોઈતો હતો. તેના બદલે હજુ સુધી કાર્યક્રમ જાહેર કરાયો ન હોવાનું જાણવા મળે છે.