રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયાની ગૌરવવંતી જી.વી.જે. હાઈસ્કૂલનું નવનિર્માણ પૂર્ણતાના આરે: અગાઉની પેઢીના લોકોમાં આનંદ

03:42 PM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી અને આજથી આશરે 94 વર્ષ પૂર્વે બનેલી એક વખતની યુનિવર્સિટી સાબિત થયેલી જી.વી.જે. હાઈસ્કૂલના સુંદર અને આકર્ષક પરંતુ ખૂબ જ જર્જરીત બની ગયેલી ઈમારતને નવેસરથી નવનિર્માણ કરવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. ત્યારે આ જોઈને અગાઉની પેઢીની આંખો ઠરે છે.ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર અગાઉના ભાટિયા સદગૃહસ્થ ગોપાલજી વાલજી જેરાજાણીના નામથી માર્ચ 1930 માં જી.વી.જે. હાઈસ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

Advertisement

અગાઉ ટ્રસ્ટ સંચાલિત આ હાઈસ્કૂલ તે સમયમાં ખૂબ જ ખ્યાતિ પામેલી હતી. આઝાદીને પૂર્વેના સમયમાં ધોરણ 10 ના ભણતરની ખૂબ જ કિંમત હતી. એ સમયમાં વર્ષ 1940 ના સમયગાળા દરમિયાન ત્રણ-ત્રણ વર્ષ સુધી બોર્ડનું પરિણામ અહીં સો ટકા આવ્યું હતું. સમય જતા ટ્રસ્ટ દ્વારા આ શાળાની સંભાળ થવી શક્ય ન હોવાથી તેમજ વાદવિવાદ થતા આખરે આ શાળાને સરકારને સોંપી દેવામાં આવી હતી. જે પછી પુનઃ વિવાદ થતા આ શાળા ફરીથી ખાનગી થઈ હતી અને છેલ્લા ત્રણેક દાયકા પૂર્વે આ શાળા ફરીથી સરકારી થઈ હતી તથા તમામ સ્ટાફને પણ અહીં સમાવાયો હતો.

એક સમયે ખૂબ મોટી સંખ્યામાં વર્ગો તેમજ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં ધોરણ 8 થી 10 ના વર્ગો કાર્યરત હતા. તે શાળામાં સરકારી સંચાલન આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી હતી અને પરિણામ પણ ઉતરવા લાગ્યું હતું. સાથે સાથે શહેરમાં અન્ય શાળાઓનું નિર્માણ થતાં વર્ષ 2001માં 26મી જાન્યુઆરીના ભૂકંપ બાદ જર્જરીત બની ગયેલું જી.વી.જે. હાઈસ્કૂલનું આ બિલ્ડીંગ ઉપયોગ માટે જોખમી જણાતા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરોડો રૂપિયાના ખર્ચે નવું બિલ્ડીંગ આ શાળાના પાછળના ભાગમાં બનાવાતા વર્ષ 1930 નું આ ભવ્ય ઐતિહાસિક બિલ્ડીંગ જર્જરીત અવસ્થામાં બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ ઇમારતની અંદર પીપળા જેવા ઝાડ ઊભી નીકળ્યા હતા અને તોતિંગ દીવાલો પર તિરાડો પડી ગઈ હતી. એક વખતની ગૌરવંતી જી.વી.જે. સ્કૂલ કે જેમાં અગાઉ ડોક્ટરો, જજ, ધારાસભ્ય વિગેરે પણ તેમના સમયમાં ભણી ચૂક્યા હતા, તે શાળાનું રીપેરીંગ કરાવવા માટે જી.વી.જે. હાઈસ્કૂલ સમિતિ હિત રક્ષક સમિતિ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ વચ્ચે મહત્વની વાત તો એ છે કે પી.ડબલ્યુ.ડી. તંત્ર દ્વારા આ બિલ્ડીંગને જર્જરીત અને જોખમી ગણાવી અને તોડી પાડવા માટે રિપોર્ટ પણ કરાયો હતો.

જી.વી.જે. હાઈસ્કૂલ હિત રક્ષક સમિતિના પૂર્વ શિક્ષક સ્વ. ડી.એમ. ભટ્ટ, સ્વ. નરોત્તમભાઈ હર્ષ, ડો. વી.કે. નકુમ, હિતેન્દ્રભાઈ આચાર્ય, હિરેનભાઈ બદીયાણી વિગેરે સિનિયર નગરજનો દ્વારા થાક્યા વગર આ બિલ્ડીંગ જ ફરીથી નવું બને તે માટેની ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. આટલું જ નહીં, આ શાળાના પૂર્વ છાત્રો દ્વારા ભલામણો શરૂ કરાવીને ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી હકુભા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સચિવ પ્રેમશંકરભાઈ ભટ્ટ, હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ પ્રદીપભાઈ ભટ્ટ, સ્વ. સી.કે. નાકર વિગેરે દ્વારા સતત રજૂઆતોના ફળ સ્વરૂપે તથા અહીંના તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી એસ.જે. ડુમરાણીયાના ખાસ પ્રયાસોથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રૂપિયા સાડા પાંચ કરોડના ખર્ચે આ ભવ્ય બિલ્ડિંગ તેના મૂળ સ્વરૂપે નવેસરથી નિર્માણ કરવાનું મંજુર કરાયું હતું. જેની કામગીરી થોડા સમય પૂર્વે શરૂ થઈ ચૂકી હતી.

મૂળ જામનગરના બાલંભાના વતની તથા ફક્ત રાજ્યના જ નહીં પરંતુ દેશના 17 થી વધુ રાજ્યોમાં ઐતિહાસિક, જુનવાણી ઇમારતો, મહેલોને રીનોવેશન કરવામાં એક્સપર્ટ એવા મુંબઈના આર.આર. સવાણી એસોસિયેટ્સને કામ મળતા અત્યંત અનુભવી આ કોન્ટ્રાક્ટરે નિષ્ઠાપૂર્વક કામ કરી અને એક સમયે જે સુંદર ઈમારતને તોડી પાડવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો, તે બિલ્ડીંગના નવા રૂપ-રંગ અને આકાર આપી, આ ઈમારત તૈયાર કરી દેવામાં આવી છે.

આ ભવ્ય ઈમારતનું નવું રૂપ સૌને ઉડીને આંખે વળગે તેવું બની રહ્યું છે. આ નિર્માણથી શહેર તેમજ બહાર વસતા શાળા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આગામી એકાદ માસમાં આ બિલ્ડીંગ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે તેવી સંભાવના વચ્ચે તેનું લોકાર્પણ કરાનાર છે.

આ શાળામાં ભણી ચૂકેલા છાત્રો આઈ.એ.એસ., સાંસદ અને મંત્રી પદ સુધી પહોંચ્યા છે. જેના ઉદાહરણરૂપ સચિવ પ્રેમશંકરભાઈ ભટ્ટ, રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, પૂર્વ ધારાસભ્ય સ્વ. મેઘજીભાઈ કણજારીયા અને ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા વિગેરે છે. આ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ જગદીશભાઈ ગણાત્રા, વિનુભાઈ ગજ્જર સહિત અનેક છાત્રો ઇંગ્લેન્ડ, અમેરિકા, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ તેમજ આફ્રિકામાં હાલ વસવાટ કરે છે. પ્રાચીન ધરોહર સમાન આ શાળાનું બિલ્ડિંગ તૈયાર થયે અગાઉની પેઢીમાં આનંદ સાથે સંતોષની લાગણી જોવા મળી રહી છે.

Tags :
G.V.J. high schoolgujaratgujarat newsKhambhaliaKhambhalia news
Advertisement
Next Article
Advertisement