દ્વારકા જગતમંદિર આસપાસના દબાણો હટાવાયા
ભાવિકો અને રાહદારીઓને નડતર રૂપ લારી-કેબિનો સહિતના દબાણો હટાવવાની ઝુંબેશથી વાતાવરણ તંગ
રાજ્યમાં ધાર્મિક સ્થળોની આસપાસ ખડકી દેવામાં આવેલા દબાણો હટાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગઇકાલે સોમનાથ મંદિર આસપાસ થયેલા દબાણો પર બૂલડોઝર ફેરવી જમીન ખાલી કરાઇ હતા ત્યારે આજે જગત મંદિર દ્વારકાધીશના મંદિર આજુબાજુમાં કરાયેલા દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરી કરતા થોડીવાર માટે વાતાવરણ ગરમાયું હતું.
દ્વારકામાં ગઈકાલે જગતમંદિરે જવાના મુખ્ય રસ્તાઓ પર યાત્રિકો તથા સ્થાનીકોને અડચણરૂપ રસ્તાઓ આસપાસ પથરાયેલા ટેબલો તથા પથારાઓનું દ્વારકાના નવનિયુકત પ્રાંત અધિકારી દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવેલ અને મંદિર આસપાસના વેપારીઓને યોગ્ય સૂચનો કરી તંત્રને સહયોગ આપવા માટે અપીલ કરેલ. ત્યારે સાથે રહેલા પાલિકાના ચીફઓફીસર તેમજ પોલીસતંત્રના અધિકારીઓને દબાણ અંગે સમીક્ષા કરી તાત્કાલિક રસ્તાઓ ખુલ્લા કરવા માટે તાકિદ કરવામાં આવેલ. જેના અનુસંધાને શહેરના નવા ગોમતીઘાટ વિસ્તારમાં કિર્તીસ્તંભ આસપાસના રસ્તા પરના તથા દ્વારકાધીશ જગતમંદિર આસપાસના રસ્તાઓ પરના દબાણો હટાવવા માટે સ્થાનીકતંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
બપોરે બાદ જગતમંદિરના મુખ્ય ગેટ આસપાસના વિસ્તારના દબાણો દુર કરવામાં આવશે. નોંધનીય છે કે દ્વારકાધીશના દર્શનાર્થે આવતા ભાવિકોને રસ્તા પરના દબાણોને કારણે અવર-જવર કરવા માટે ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને આ વર્ષોપર્યંતનો પ્રશ્ન હતો પરંતુ પાલિકા દ્વારા છાસવારે દબાણ હટાવવાનું નાટક કરી ટેમ્પરરી કાર્યવાહી કરવામાં આવતી હતી. કોઈ કાયમી ઉકેલ આવતો ન હતો. પરંતુ હાલના પ્રાંત અધિકારીએ સ્થાનીક વહીવટીતંત્રને સાથે રાખી દબાણ હટાવ ઝુંબેશ શરૂૂ કરેલ છે તે દ્વારકાવાસીઓમાં પ્રસંશાને પાત્ર બની છે. હવે જોવાનું એ છે કે જે દબાણો હટાવાયા છે તે કાયમી ધોરણે રહેશે કે પછી થોડા દિવસો બાદ ‘જૈસે થે થઇ જશે….!