મહાપાલિકામાં બે સમિતિના ચેરમેન બદલાવવાની શક્યતા
બાંધકામ અને કાયદો વ્યવસ્થા સમિતિમાં નવા ચેરમેન નિમાશે
મહાનગર પાલિકામાં પદાધિકારીઓ ઉપરાંત અલગ અલગ વિભાગની 15 સમિતિઓના ચેરમેનોની નિમણુંક કરવામાં આવતી હોય છે. જેમાં હવે બે સમિતિઓના ચેરમેન બદલવાની અને નવા નામની નિમણુંક જનરલ બોર્ડમાં કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. જેમાં બાંધકામ સમિતિ અને કાયદો વ્યવસ્થા સમિતિના બે ચેરમેનોના સ્થાને નવાચેરમેનની નિમણુંક થવાની શક્યતા જોવાઈ રહી છે.
મહાનગરપાલિકામાં હાલ 15 સમિતિઓના ચેરમેનની નિમણુંક કરવામાં આવી છે. પરંતુ બાધકામ સમિતિના ચેરમેન ભાવેશ દેથરિયાની તબિયતના કારણે તેમની જગ્યાએ વોર્ડ નં. 6ના પરેશ પીપળિયાની નિમણુંક કરવામાં આવે તેમજ આવાસ યોજના કૌભાંડમાં નામ ઉછળ્યા બાદ કાયદો વ્યવસ્થા સમિતિના ચેરમેન દેવુબેનને પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આથી તેમની જગ્યાએ કંકુબેન ઉધરેજાની નિમણુંક કરવાની વધુ શક્યતા જોવાઈ રહી છે. આથી આગામી તા. 18ના રોજ મળનાર જનરલ બોર્ડમાં બાંધકામ સમિતિના ચેરમેન અને કાયદો વ્યવસ્થાના ચેરમેનની જગ્યાએ નવા ચેરમેનોના નામો જાહેર કરી બોર્ડમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.