For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વકીલ હારૂન પલેજાની હત્યાનો પ્લાન પાંચ દિવસ પહેલાં ઘડાયો’તો

12:21 PM Mar 14, 2024 IST | Bhumika
વકીલ હારૂન પલેજાની હત્યાનો પ્લાન પાંચ દિવસ પહેલાં ઘડાયો’તો
  • જામનગરના નામચીન રજાક સોપારી અને કુખ્યાત સાઈચા બંધુ સહિત 15 શખ્સોના નામ ખુલ્યા: આપઘાત કેસમાં ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલને કોર્ટની બહાર જ પતાવી દેવાની ધમકી મળી હતી

જામનગરના બેડી વિસ્તારમાં સાંજે રોજુ છોડાવવા બુલેટ પર ઘરે જવા નીકળેલા વાઘેર સમાજનાં પ્રમુખ અને જાણીતા એડવોકેટ હારૂન પલેજાને રસ્તા વચ્ચે જ રોકી છરી, ધોકા પાઈપના અસંખ્ય ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરાયોનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે પોલીસની તપાસમાં એડવોકેટની હત્યાનો પ્લાન પાંચ દિવસ પહેલા જ ઘડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે અને હત્યા પાછળ નામચીન રજાક સોપારી અને કુખ્યાત સાઈચા બંધુ સહિત 15 શખ્સોની સંડોવણી ખુલતાં આરોપીઓની ધરપકડ કરવા પોલીસે તેમના આશ્રય સ્થાનો પર દરોડા પાડયા છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ, જામનગરના બેડી વિસ્તારમાં આવેલ ફારૂકે આઝમ ચોક રેલવે પાટા પાસે રહેતા વાઘેર સમાજનાં પ્રમુખ અને જાણીતા એડવોકેટ હારૂનભાઈ પલેજા સાંજે સાડા છ વાગ્યે પોતાનું બુલેટ લઈ ઘરે રોજુ છોડાવવા જઈ રહ્યાં હતાં ત્યારે વાછાણી મીલ પાસે તેમનું બુલેટ આંતરી એક ડઝન જેટલા શખ્સોએ ધોકા પાઈપ છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી નાસી છુટયા હતાં.

Advertisement

જ્યારે ગંભીર રીતે ઘવાયેલા વકીલને સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતાં. પરંતુ તેમનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.આ ઘટના નજરે નિહાળનાર મૃતકના ભત્રીજા અને વકીલાતની પ્રેકટીસ કરતાં નુરમામદ ઓસમાણ પલેજા (ઉ.33)ની ફરિયાદ પરથી પોલીસે બેડી વિસ્તારમાં જ રહેતા કુખ્યાત બશીર જુસબ સાઈચા, ઈમરાન નુરમામ સાઈચા, રમજાન સલીમ સાઈચા, સિકંદર નુરમામ સાઈચા, રિઝવાન ઉર્ફે ભુરો અસગર સાઈચા, જાબીર મેહબુબ સાઈચા, દિલાવર હુશેન ક્કલ, સુલેમાન હુશેન ક્કલ, ગુલામ હુશેન સાઈચા, એઝાદ ઉમર સાઈચા, અસગર જુસબ સાઈચા, મહેબુબ જુસબ સાઈચા, રજાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડીયા અને શબીર ઓસમાણ ચમડીયાના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક વર્ષ પહેલા પંચવટી ગૌશાળા પાસે રહેતા નુરજહાબેન ઈબ્રાહીમ હુંદડાએ આપઘાત કર્યો હતો. જેમાં રજાક નુરમામદ સાઈચા, અકતર અનવર ચમડીયા અને અફરોજ તૈયબ ચમડીયાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે કેસમાં ફરિયાદી વતી વાઘેર સમાજનાં પ્રમુખ અને જાણીતા એડવોકટ હારૂનભાઈ પલેજા વકીલ તરીકે રોકાયા હતાં.

Advertisement

જામીન અરજીની સુનાવણી વખતે કોર્ટની બહાર જ ફરિયાદી ઈસાકભાઈ હુંદડા અને હારૂનભાઈ પલેજાના જુનિયરને કુખ્યાત રજાક સોપારી અને શબીર ચમડીયા અને ઉમર ચમડીયાએ રોકી કેસ પાસો ખેંચી લેવા અને હારૂનભાઈ પલેજાને કેસમાંથી હટી જવાની ધમકી આપી હતી. ત્યારબાદ પણ હારૂનભાઈ પલેજા ધમકીને ગણકાર્યા વગર આરોપી સામે નો કેસ ચાલુ રાખતાં આરોપીઓના પેટમાં તેલ રેડાયું હતું અને આપઘાત કેસમાં નડતરરૂપ વકીલને પુરો કરી નાખવા માટે હત્યાનો પ્લાન ઘડર્યો હતો.

પોલીસની તપાસમાં પાંચ દિવસ પહેલા બેડી વિસ્તારમાં હારૂનભાઈ પલેજાની હત્યાનો પ્લાન ઘડવા માટે અસંખ્ય ગુનામાં સંડોવાયેલ રજાક સોપારી અને નામચીન ઉમર ઓસમાણ ચમડીયા અને સાઈચા બંધુ સહિતના શખ્સો ભેગા થયા હતાં અને પ્લાન મુજબ હારૂનભાઈ પલેજાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

જેના ભાગરૂપે ગઈકાલે સાંજે જ વકીલ પોતાના ઘરે જતાં હતા ત્યારે અગાઉથી જ રોડ ઉપર ઉભેલા આરોપીઓએ સરાજાહેર હુમલો કરી વકીલની હત્યા કર્યાનું બહાર આવ્યું છે.
આ ઘટનાની જાણ થતાં જામનગર એસ.પી.પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, બી ડીવીઝન પીઆઈ એચ.પી.ઝાલા સહિતનો સ્ટાફ અને એલસીબી એસઓજીનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવી ફુટેજ મેળવી આરોપીઓની ધરપકડ કરવા આખી રાત કોમ્બીંગ કરવામાં આવ્યું હતું.

એડવોકેટ હારૂનભાઈ પલેજાના સાળાના દીકરાને પણ હુમલાખોરોએ આંતર્યો હતો

જામનગર બેડી વિસ્તારમાં સાંજે રોજુ છોડવા ઘરે જઈ રહેલા જાણીતા એડવોકેટ હારૂનભાઈ પલેજાની હત્યાનો પ્લાન કરી અગાઉથી જ વાછાણી મીલ પાસે ઘાતક હથિયારો સાથે ઉભેલા હુમલાખોરોએ હારૂનભાઈની પહેલા જ બાઈક પર નીકળેલા તેમના સાળાના દિકરા હુશેન મુસ્તાકને હુમલાખોરોએ રોકયો હતો આ વખતે એઝાઝ ઉમર સાઈચાએ આને જાવા દો પલેજો વકીલ આવે છે તેમ કહ્યું હતું અને સાળાના દિકરાને હુમલાખોરોએ જવા દીધો હતો.

  • જામનગરના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા
  • રાજકોટ ડિસ્ટ્રિકટ બાર.એસોસિએશન દ્વારા આરોપી પક્ષે વકીલ તરીકે નહીં રોકાવા કર્યો ઠરાવ

જામનગરમાં છ વર્ષ પહેલા જાણીતા વકીલ કિરીટભાઈ જોષીની સરાજાહેર હત્યા થયા બાદ ગઈકાલે વાઘેર સમાજનાં પ્રમુખ અને જાણીતા એડવોકેટ હારૂનભાઈ પલેજાની સરાજાહેર તિક્ષ્ણહથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલની હત્યાના વિરોધમાં આજે જામનગર બાર એસોસીએશન દ્વારા કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહ્યા હતાં અને રાજકોટ ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનના પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજાએ ઠરાવ કરી જામનગર વકીલની હત્યામાં સંડોવાયેલા આરોપી પક્ષે કોઈ વકીલ નહીં રોકાય તેવો નિર્ણય કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement