મહાનગરપાલિકાને મળશે 215.25 કરોડના વિકાસ કામોની ભેટ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની ધૂરા સંભાળી તેને 23 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે. તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રૂા. 215.25 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. જેનું લોકાર્પણ અને ખાતમુહર્ત સોમવારે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે.
વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 23 વર્ષ પહેલા 7 ઓક્ટોબર, 2001ના રોજ પ્રથમવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીના સફળ અને સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાત રીન્યુએબલ ઉર્જાના પર્યાય તરીકે સ્થાપિત, ઉર્જાશક્તિ-જળશક્તિ-જ્ઞાનશક્તિ-જનશક્તિ અને રક્ષાશક્તિના પંચામૃત ગુજરાત, સૌથી ઊંચા સ્ટેચ્યુ અને સૌથી મોટા સ્ટેડિયમથી ગૌરવાન્વિત ગુજરાત, 24 કલાક વિજળીની સંકલ્પનાથી સાકાર ગુજરાત, ગરબા-ધોરડો અને સ્મૃતિવનથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિથી સુશોભિત ગુજરાત, ગીફ્ટ-ડાયમંડ બુર્સ અને ઢોલેરો છે ગુજરાતના વિકાસના નિમિત, દેશના ગ્રોથ એન્જીન તરીકે પ્રસ્થાપિત ગુજરાત અને પ્રો-પીપલ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેક તરીકે સ્થાપિત ગુજરાત વગેરે જેવા પર્યાયથી ગુજરાત વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત થયેલ છે ત્યારે આ 23 વર્ષની વિકાસ ગાથાને વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.
આ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત થીમેટીક દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશ્યલ/ડીઝીટલ મીડિયા ઝુંબેશ, સફળતાની વાર્તાઓ, યુવા વર્ગની સહભાગિતા, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઈનોવેશન એકસ્પો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો, શાળાઓમાં પ્રવચનો અને ક્વિઝનું આયોજન વગેરે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા.14/10/2024, સોમવારના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, પાણી પુરવઠા વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપતિ તથા ગૃહ વિભાગના એક સાથે અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે કાર્યક્રમ યોજાનાર છે.
ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજકોટ મહાનગર પાલિકાના રૂા. 215.25 કરોડના કુલ 42 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે જેમાં રૈયા સ્માર્ટ સીટીમાં રૂા. 7.92 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઈલેક્ટ્રીક બસ ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ, રૂા. 101.89 કરોડના ખર્ચે બાધકામ વિભાગના 25 કામો, રૂા. 52.33 કરોડના ખર્ચે ડ્રેનેજ વિભાગના પાંચ અને રૂા. 53.21 કરોડના ખર્ચે નિર્માણ થનાર વોટર વર્કસ વિભાગના અગિયાર કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ મહાનગર પાલિકાનામેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ,શાસકપક્ષદંડક મનિષભાઈ રાડીયા ઉપસ્થિત રહેનાર છે.