મનપાએ 4.65 લાખ વૃક્ષો વાવ્યા, દેખાતા કેમ નથી?
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગ્રીનરી વધારવા માટે દર વર્ષે વૃક્ષારોપણનું નાટક ફોટા સાથે ભજવવામાં આવે છે નેતાઓના હાથે વૃક્ષારોપણ કરાવી ઘનિષ્ટ વૃક્ષારોપણ થયાના બણગા ફુકાઈ રહ્યા છે અને ચોપડે પણ વૃક્ષોની સંખ્યા બતાવવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષમાં શહેરમાં 4.65 લાખ વૃક્ષોનું વાવેતર કર્યાનું મનપાએ ચોપડા ઉપર બતાવ્યું છે. પરંતુ છેલ્લા 15 વર્ષથી દર વર્ષેથતાં વૃક્ષારોપણના આંકડાઓનો હિસાબ લગાવીએ તો શહેર જંગલ માફક દેખાવુ જોઈએ જેની સામે છેલ્લા બે વર્ષમાં વાવેલા વૃક્ષો પણ કેમ દેખાતા નથી તેવું પર્યાવરણ પ્રેમીઓ પુછી રહ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા આખુ વર્ષ તેમજ ચોમાસા પહેલા ઘનિષ્ટ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવે છે. અને કેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ તેના સત્તાવાર આંકડા ખર્ચ સાથે જાહેર કરાતા હોય છે. જે વર્ષ પૂર્ણ થયા બાદ યાદ કરાતા નથી. ફરી નવેસરથી વૃક્ષારોપણના આયોજનો થઈ રહ્યા છે. જનરલ બોર્ડમાં ભાજપના સભ્યો દ્વારા માંગવામાં આવેલ માહિતીના આધારે મનપાની ગાર્ડન શાખા દ્વારા છેલ્લા બે વર્ષમાં 4.65 લાખ વૃક્ષોનું વાવેતર કર્યાનું જણાવવામાં આવ્યું છે. અને આગામી વર્ષોમાં પણ વધુ પાંચ લાખ વૃક્ષ વાવવામાં આવશે તેવું જણાવ્યું છે. વોર્ડવાઈઝ વૃક્ષારોપણની જરૂરિયાત છેલા વર્ષમાં વોર્ડ નં. 1 માં 75427, વોર્ડ નં. 2માં 229, વોર્ડ નં. 3માં 40,628, વોર્ડ નં. 4 170, વોર્ડ નં. 5 માં 90, વોર્ડ નં. 6માં 30, વોર્ડ નં. 7માં 53, વોર્ડ નં. 8માં 128, વોર્ડ નં. 9 માં 215, વોર્ડ નં. 10માં 430, વોર્ડ નં. 11માં 36,559, વોર્ડ નં. 12માં 8083, વોર્ડ નં. 13માં 181, વોર્ડ નં. 14માં 31, વોર્ડ નં. 15માં 2263, વોર્ડ નં. 16માં 41, વોર્ડ નં. 17માં 46, વોર્ડ નં. 18માં 3033 વૃક્ષોનું રોપણ કર્યાનું ચોપડામાં દર્શાવવામાં આવ્યું છે.
વૃક્ષારોપણનો કાર્યક્રમ દરેક વોર્ડમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે ન્યારી ડેમ ખાતે વર્ષ 2023-24માં 2 લાખ વૃક્ષનું વાવેતર કરવામાં આવેલ જે 24-25માં જીરો રહેલ છે. તેવી જ રીતે નાકરાવાડી ખાતે 2,97,736 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેના લીધે કુલ વૃક્ષારોપણની સંખ્યા 465373 બતાવવામાં આવી છે. જ્યારે 2025-26 એટલે કે ચાલુ વર્ષમાં એડવાન્સ વેરો ભરતા દિવ્યાંગો તેમજ એક્સ આર્મીમેન દ્વારા 40 હજાર વૃક્ષો તથાપીપીપી ધોરણે 10 હજાર તેમજ 10 હજાર વૃક્ષનું વિતરણ અને ગાર્ડન હેતુના પ્લોટમાં 25 હજાર વૃક્ષો અને મનપાના આઈલેન્ડ પ્લાન્ટેશન 10 હજાર વૃક્ષો સહિત કુલ 5 લાખ નવા વૃક્ષો વાવવાનું આયોજન પણ ચોપડે કરવામાં આવ્યું છે.