નિવૃત્ત સરકારી કર્મચારીઓને ફરી ‘કરાર’ ઉપર નોકરીએ લેવાની શરૂ થયેલી હિલચાલ
ગુજરાતમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓની કરાર આધારિત સીધી નિમણુંક સામે મનાઈ ફરમાવી સરકારની પૂર્વ મંજુરી બાદ જ નિમણુંક કરવાની સુચના આપી હોવાથી તમામ સરકારી વિભાગોમાં કરારના આધારે ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતાં. પરંતુ હવે રાજકોટમાં રૂડા સહિતની કચેરીઓમાં નિવૃત્ત કર્મચારીઓને કરાર આધારિત કર્મચારી તરીકે નિમણુંક આપવા હિલચાલ શરૂ થઈ છે. અને આ માટે અરજીઓ પણ માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીમાં અમુક નિવૃત્ત કર્મચારીઓએ કરાર આધારિત કર્મચારી તરીકે નોકરીએ રહેવા માટે અરજીઓ પણ કરી છે.
આ અંગે રૂડાના બોર્ડમાં ઠરાવ કરવામાં આવે તો પણ રાજ્યસરકારની મંજુરી લેવી ફરજિયાત છે. ત્યારે રૂડાની બોર્ડ મિટિંગમાં આ અંગે ઠરાવ થાય છે કે કેમ? તે તરફ સૌથી મીટ મંડાયેલી છે.
કર્મચારીઓનું કહેવું છે કે, એક કચેરીમાં નિવૃત્ત કર્મચારીઓને કરાર પર નોકરીએ લેવામાં આવશે તો આ પ્રથા અન્ય કચેરીઓમાં પણ શરૂ થશે અને તેના કારણે નવી ભરતીની રાહમાં બેઠેલા બેરોજગાર યુવાનોનું હિત પણ જોખમાશે.
આ ઉપરાંત નિવૃત્ત થયેલાકર્મચારીઓ વર્ષો સુધી સરકારી નોકરીઓમાં રહ્યા હોવાથી ‘સબંધો’નો પણ દૂરઉપયોગ કરી શકે છે.
રાજ્ય સરકારે પણ લાગતા-વળગતા અધિકારીઓનો વહિવટદારો નિવૃત્તિ બાદ કરાર આધારિત કર્મચારી તરીકે ફરી મલાઈ વાળી જગ્યાઓ પર ગોઠવાઈ જતા હોવાથી ગત તા. 15 માર્ચ-2012ના રોજ પરિપત્ર કરી નિવૃત્ત કર્મચારીઓને કરાર પર લેતા પહેલા સરકારની મંજુરી ફરજિયાત બનાવી હતી.
