For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરથી રાજકોટ અપડાઉન કરતાં મિત્રો બસના બદલે કારમાં આવ્યા ને કાળ ખેંચી ગયો

05:18 PM Dec 14, 2023 IST | Bhumika
સુરેન્દ્રનગરથી રાજકોટ અપડાઉન કરતાં મિત્રો બસના બદલે કારમાં આવ્યા ને કાળ ખેંચી ગયો

કડિયાકામ કરી અને કારના શોરૂમમાં નોકરી કરતાં બે કંધોતરે જીવ ગુમાવ્યા

Advertisement

આજે વહેલી સવારે રાજકોટ અમદાવાદ હાઈ-વે પર માલીયાસણ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેમાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. આ બનાવમાં તમામના મૃતદેહ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે પોલીસમાંથી જાણવા મળી રહ્યું હતું કે સુરેન્દ્રનગર પાર્સિંગની બલેનો કારમાં રહેલા હેમેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા અને રાજુભાઈ સનાજીભાઈ પરમારનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. જેમાં હેમેન્દ્રસિંહ બે બહેનમાં એકના એક ભાઈ હોવાનું તેમજ તેઓને સંતાનમાં બે દિકરી અને એક દિકરો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તેઓ ગોંડલ ચોકડી પાસે આવેલા કારના શો રૂમમાં નોકરી કરતાં હતાં.

તેમજ રાજુભાઈ પરમાર કે જેઓ અપરિણીત હતા અને તેઓ બે ભાઈ એક બહેનમાં સૌથી નાના હતાં. તેમજ કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. કારમાં સ્વાર તેમના મિત્રો યુવરાજસિંહ પરમાર જેઓ રાજકોટમાં સોની બજારમા આવેલી આંગળીયા પેઢીમાં નોકરી કરે છે. જીગ્નેશભાઈ જેઓ બેંક કર્મચારી છે તેમજ ખેડૂતોને લોન આપવાની નોકરી કરે છે અને આ બલેનો કારના ચાલક જયદીપભાઈ બાવાજી જેઓ પણ રાજકોટમાં આવેલી બેંકમાં નોકરી કરે છે. તેઓ કાર ચલાવી પાંચેય મિત્રો સાથે રાજકોટ આવતાં હતાં. આ બનાવ અંગે યુવરાજસિંહએ ‘ગુજરાત મિરર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે બધા મિત્રો રાજકોટમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરતાં હોય જેથી સુરેન્દ્રનગર બસમાં જ અપડાઉન કરીએ છીએ પરંતુ આજે અમે જયદીપસિંહની કારમાં બેસી રાજકોટ તરફ આવતાં હતાં ત્યારે માલીયાસણ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવરાજસિંહ, જીગ્નેશભાઈ અને કાર ચાલક જયદીપભાઈને સારવાર માટે કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માતની ઘટનાથી હેબતાઈ ગયેલા જયદીપભાઈ બેભાન જેવા થઈ ગયા હતાં.

Advertisement

તેમજ આ અકસ્માતમાં રાજકોટમાં નોકરી કરતાં હેમેન્દ્રસિંહ અને રાજુભાઈના મૃત્યુથી બન્ને પરિવારજનો તેમના આધારસ્થંભ ગુમાવી દેતાં પરિવારમાં શોક છવાયો છે. તેઓના મૃતદેહને સિવિલ હોસ્પિટસે ખસેડવામાં આવતાં પોલીસે તુરંત જ તેમના પરિવારજનોને બનાવની જાણ કરી હતી.

ગમખ્વાર અકસ્માતનો સમગ્ર ઘટના ક્રમ
માલીયાસણ હાઈ-વે પર આજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે ટ્રક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પાછળ આવતી રાજકોટના યુવકની કારે બ્રેક મારી હતી અને તેની પાછળ આવતી સુરેન્દ્રનગરની કારે પણ બ્રેક મારી કાર ધીમી પાડી હતી તે દરમિયાન માતેલા સાંઢની માફક ડમ્પર ચાલકે બલેનો કારને ઠોકરે ચડાવતા એસેન્ટ કાર સાથે અથડાઈ ટ્રકમાં ઘૂસી ગઈ હતી જેને પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

રોજ બસમાં અપડાઉન કરતાં મિત્રો આજે કારમાં રાજકોટ આવ્યા ને અકસ્માત સર્જાયો
સુરેન્દ્રનગરથી અપડાઉન કરતાં પાંચ મિત્રોને આજે માલીયાસણ નજીક અકસ્માત સર્જાયો હતો. તેની કારનો બુકડો થઈ જતાં તેમાં સ્વાર હેમેન્દ્રસિંહ અને રાજુભાઈના મોત નિપઝ્યા હતાં. તેમજ અન્ય ત્રણ મિત્રોને નાની મોટી ઈજા થઈ હતી. આ બનાવમાં ઘવાયેલા યુવરાજસિંહએ જણાવ્યું હતું કે અમે રોજ રાજકોટ આવવા માટે બસમાં સવારી કરતાં હતાં પરંતુ આજે અમે જયદીપભાઈની કારમાં રાજકોટ આવી રહ્યા હતાં. ત્યારે અકસ્માત સર્જાયો હતો અને બે મિત્રોના મૃત્યુ નિપજ્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement