ફરી બદલાયો મોસમનો મિજાજ, વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી મોસમનો મિજાજ બદલાયો છે અને આજથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો નિકળતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ આવ્યો છે. જેમાં જીરું, રાયડો સહીતના પાકોના લણણીના સમયે જ કમોસમી વરસાદ થતા પાક નિષ્ફ્ળ જવાથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. એક તરફ શિયાળાની વિદાય ચાલી રહી છે અને ઉનાળાના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. જો કે શિયાળાની ઋતુની વિદાય વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે હજુ એક ઠંડીનો ટૂંકો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતમાં બુધવારથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને ઉનાળાના આગમન પહેલાં લોકોને વધુ એક વખત ઠંડી સહન કરવી પડશે. ઠંડીનો આ છેલ્લો રાઉન્ડ હોય માર્ચ મહિનાની શરૂૂઆતથી ગરમીની શરૂૂઆત પણ થઈ જવાની શક્યતાઓ રહેલી છે.
ઉનાળાના આગમન વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે ફરી એક વખત ઠંડીનો ટૂંકો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે. ખાનગી વેધર સાઈટ મુજબ, આજથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. હાલ નોંધાઈ રહેલા લઘુત્તમ તાપમાનમાં 6થી 7 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતાઓ રહેલી છે. પરિણામે લોકોને વધુ એક ઠંડીનો રાઉન્ડ સહન કરવો પડી શકે છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 1પથી 19 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યુ છે. જે 25 ફેબ્રુઆરી સુધીમાં ગગડશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન ઘટીને 10 ડિગ્રી જેટલુ નીચુ રહેવાની પણ શક્યતાઓ રહેલી છે.