મંત્રીમંડળ અને સંગઠનમાં કોળી સમાજનું સ્થાન છે અને યથાવત્ રહેશે
રાજકોટ શહેરનાં સામા કાંઠા વિસ્તારમાં ગઈકાલે કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતાજીની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં કુંવરજીભાઈ બાવળીયા સહિતના કોળી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતાજીની શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, હાલ કોળી સમાજનું પ્રતિનિધિત્વ મંત્રી મંડળમાં છે અને આગામી સમયમાં પણ આ સ્થાન યથાવત રહેશે.
કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા ભગવાનનો પ્રાગટય દિવસ છે. જે નિમિતે આ શોભાયાત્રા યોજાઈ છે. માંધાતા ભગવાનને અમારા સમાજના લોકો ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી માને છે. રાજકોટમાં છેલ્લા 12 વર્ષથી આ શોભાયાત્રા નીકળે છે. આજે સતત 13માં વર્ષે યોજાયેલી આ શોભાયાત્રા પણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેનું આયોજન અહીં સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિનો પાવન પર્વ નિમિત્તે મંત્રી તરીકે હું ગુજરાતના તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું.
મંત્રી મંડળમાં થનાર ફેરફારને લઈને તેમણે જણાવ્યું કે, હાલમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ મંત્રી મંડળમાં છે. આગામી સમયમાં પણ સ્થાન યથાવત રહેશે. હાલ સંગઠન પર્વનું કામકાજ ચાલી રહ્યું છે. જેમાં સંગઠનમાં પણ દરેક સમાજની વસ્તી પ્રમાણે ઓબીસી સમાજને પણ તેમનો હક્ક હિસ્સો મળશે તેવો વિશ્વાસ છે.