For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કૌટુંબિક કાકીના હત્યારાએ ઉત્તરાયણના દિવસે પાડોશમાં 60 હજારનો હાથ માર્યો’તો

05:09 PM Feb 19, 2024 IST | Bhumika
કૌટુંબિક કાકીના હત્યારાએ ઉત્તરાયણના દિવસે પાડોશમાં 60 હજારનો હાથ માર્યો’તો

શહેરની ભાગોળે જામનગર રોડ પર નવી કોર્ટ પાસે શિવસાગર સોસાયટીમાં કૌટુંબીક કાકીની હત્યા કરી લુંટ કરવાના ગુનામાં પકડાયેલા આરોપીની પુછપરછમાં આરોપી ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું ખુલતા અને તેણે ઉતરાયણના દિવસે પાડોશીના ઘરમાંથી પણ રૂા.60 હજારની ચોરી કર્યાની કબુલાત આપતાં પોલીસે પાડોશીની ફરિયાદ પરથી આરોપી વિરૂધ્ધ ચોરીનો અલગથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, નવી કોર્ટ પાસે શિવસાગર સોસાયટીમાં લુંટ વિથ મર્ડરના ભેદભરમ સર્જતા બનાવમાં ક્રાઈમ બ્રાંચની ટીમે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં મૃતક પરિણીતાને તેના પતિએ નહીં પરંતુ તેના કૌટુંબીક ભત્રીજાએ જ કાતરના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું ખુલતાં પોલીસે આરોપી પ્રેમ ભરતભાઈ જેઠવાને વડોદરાથી ઝડપી લઈ પુછપરછ કરતાં તેણે પ્રેમિકાને પૈસાની જરૂરીયાત ઉભી થતાં કૌટુંબીક કાકીની હત્યા કરી લુંટ કર્યાનું ખુલ્યું હતું. આ ઉપરાંત આરોપીએ ઉતરાયણના દિવસે પાડોશી પંકજભાઈનાં ઘરે પતંગ ઉડાવવા માટે ગયો હતો ત્યારે તેના ઘરમાંથી પણ રૂા.60 હજારના દાગીના ચોરી કર્યાની કબુલાત આપી હતી. જે આધારે પોલીસે શિવસાગર સોસાયટી શેરી નં.1માં રહેતા હિરલબેન પંકજભાઈ વાળાની ફરિયાદ પરથી આરોપી વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ઉતરાયણના દિવસે અગાશી ઉપર પતંગ ઉડાવવા માટે ગયા હતાં. દરમિયાન ઘરમાં લાકડાનો કબાટ તોડી કોઈ શખ્સ તેમાં રાખેલા સોનાનો ચેઈન અને પેન્ડલ મળી કુલ રૂા.60 હજારના દાગીના ચોરી કરી ગયાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

સંતાનો પ્રત્યે વાલીઓને સજાગ રહેવા શહેર પોલીસની અપીલ
માત્ર 20 વર્ષની ઉંમરે ભૌતિકતાવાદી જીવન જીવવાની ઘેલસામા સોશ્યલ મીડિયાના પ્રભાવમાં આવી પોતાના ઉંચા મોજ શોખ પુરા કરવા અને ઐયાશી ભર્યા જીવન જીવવાના કારણે ઉભી થતી જરૂરીયાતોને પહોંચી વળવા માટે હાલ અમુક તરૂણ અને યુવાનો ચોરીને રવાડે ચડતા હોવાના ઘણા દાખલાઓ સામે આવ્યા છે. તેમજ આ હત્યા જેવી ઘટનામાં માત્ર 20 વર્ષના યુવાને પ્રેમિકાના શોખ પુરા કરવા કૌટુંબીક કાકીની હત્યા નિપજાવી હતી. માટે પોલીસે લોકોને સમાજ ઉપયોગી સંદેશ આપતાં જણાવ્યું હતું કે, વાલીઓએ તેના પોતાના સંતાનો પ્રત્યે જાગૃત થવું ખુબ જ જરૂરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement