વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવનો આમંત્રણ રથ રાજકોટમાં પહોંચ્યો
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ આયોજિત, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષમાં આગામી દિવસોમાં વડતાલ ખાતે ભવ્યાથી ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે વડતાલધામથી આમંત્રણ રથ ગામે ગામ જઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિર તેમજ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આ આમંત્રણ રથ પહોંચ્યો હતો.
આ આમંત્રણ રથનું પ્રથમ બાલાજી હનુમાનજી મંદિર ખાતે આગમન થયું હતું , આમંત્રણ રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું બાલાજી હનુમાનજી મંદિરના પટાંગણમાં પુષ્પોની આકર્ષક રંગોળી બનાવાઈ હતી ,ડીજેના તાલે ભક્તો રાસે રમ્યા હતા , ત્યારબાદ મંદિરના મહંત કો.વિવેકસાગર દાસજી સ્વામી તથા સંતો હરિભક્તોની ઉપસ્થિતિમાં મહાઆરતી પણ યોજાઈ હતી, ખાસ કરીને હરિભક્તોમાં આનંદની લહેર જોવા મળી હતી.
આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આ રથ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પહોંચ્યો હતો મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી, વયોવૃદ્ધ કોઠારી હરિચરણદાસજી સ્વામી, ભક્તવત્સલ દાસજી સ્વામી, જે.પી.સ્વામી સહિતના સંતો તેમજ શાખયોગી બહેનોમાં નવધાબેન, કોમલબેન,ભક્તીબેન તેમજ હરિભક્તો દ્વારા આમંત્રણ રથના વધામણા કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું , ત્યારબાદ મહાઆરતી યોજાઈ હતી જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ અલભ્ય દિવ્ય લાભ લીધો હતો, બંને મંદિરે અન્નકૂટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ, આ આમંત્રણ રથ આવતા મંદિરમાં ભાવિકોની ભીડ જામી હતી હરિભક્તોમાં હરખની હેલી છવાઈ હતી.