નવાગામના યુવાનનાં મોતની તપાસ કુવાડવા રોડ પોલીસ પાસેથી છીનવી LCBને સોંપાઈ
સ્થાનિક કુવાડવા પોલીસની બેદરકારી અંગે એસીપીને તપાસ કરી બે દિવસમાં રિપોર્ટ કરવા હુકમ
નવાગામમાં અંદાજે સવા બે માસ પહેલા એક તરૂૂણના મોત મામલે નવો જ ખુલાસો થયો હતો અને પોલીસે કુવાડવા રોડ પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી આ મામલે ગોડાઉનના માલિકની પણ બેદરકારી સામે આવશે તો પુરાવા એકત્ર કર્યા બાદ તેની પણ ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ આ મામલે તપાસ કરતી કુવાડવા પોલીસ પાસેથી તપાસ છીનવી લેવામાં આવી છે અને આ અંગેની તપાસ એલસીબી ઝોન-1ને સોપવામાં આવી છે. બીજી તરફ કુવાડવા પોલીસ દ્વારા બે મહિના સુધી આ બનાવ ઉપર ઢાંક પીછોડો કરવામાં આવ્યો હોય જેને લઈને પોલીસ કમિશ્નરે કુવાડવા પોલીસ સામેની તપાસ એસીપી સોંપી છે અને બે દિવસમાં આ અંગેનો રિપોર્ટ કરવા હુકમ કર્યો છે.
વધુ વિગતો મુજબ,સંત કબીર રોડ પરનાં ગોકુલનગર શેરી નંબર 5માં રહેતા હર્ષિલ ગોરી (ઉ.17) ઘરખર્ચ કાઢવા માટે હર્ષિલ એકાદ વર્ષ પહેલા નવાગામ (આણંદપર)માં પંચાયત ઓફિસ સામે આવેલ નારાયણ પેરાજનામની ટ્રાન્સપોર્ટ પેઢીની ઓફિસમાં કામે લાગી ગયો હતો.જયાં ગઈ તા. 1મેના રોજ રાત્રે તે કામ કરતો હતો ત્યારે અચાનક બેભાન બની જતાં તેને સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.તે વખતે તેનાં શેઠ શિવજીભાઈએ હર્ષિલનાં પરિવારજનોને એમ કહ્યું કે,હર્ષિલ બેભાન થઈ ગયો હતો અને તેનું હાર્ટએટેકથી મોત થયાનું કુવાડવા રોડ પોલીસને જણાવાતાં તેનો સ્ટાફે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ પૂરી કરી નાખી હતી.
પરિવારજનોએ વાત સાચી માની હર્ષિલની અંતિમવિધિકરી નાખી હતી.હર્ષિલનાં માતા પિતાએ પણ હાર્ટએટેકથી મોત થયાનું માની લીધું હતું. કુવાડવા રોડ પોલીસે તેમના નિવેદનો પણ લીધા હતાં.બાદમાં હર્ષિલ જયાં નોકરી કરતો હતો ત્યાંથી પરિવારજનો પેન ડ્રાઈવમાં સીસીટીવી ફુટેજ લઈ આવ્યા હતાં.સીસીટીવી ફુટેજ ચેક કરતાં જોવા મળ્યું કે, બનાવનાં દિવસે તેનો પુત્ર હર્ષિલ અને તેની સાથે જ નોકરી કરતો સુશિલે આવેશમાં આવી પોતાનાં હાથમાં રહેલા મોબાઈલ ફોનનો હર્ષિલ તરફ ઘા કરતાં જ તે ઓફિસનાં પગથીયા પરથી નીચે પટકાઈ ગયો હતો.આ ઘટનાને લઇ તપાસ કરતા હર્ષિલ બેલેન્સનું બ્રેઈન હેમરેજ થવાથી મોત થયાનું પોલીસમાંથી જાણવા મળ્યું હતું. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સમક્ષ કરેલી ફરિયાદ બાદ આ મામલામાં હર્ષિલનાં પિતાની ફરિયાદ પરથી સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સુશિલ ઉર્ફે સુનિલ સુખાભાઈ હેરભા (ઉ.વ. 24, રહે, રાજલક્ષ્મી સોસાયટી, મોરબી રોડ)ની અટકાયત કરી હતી.
પોલીસ કમિશ્નરે આ બનાવની તપાસ કુવાડવા પોલીસ પાસેથી આંચકી લઈ આ અંગેની તપાસ એલસીબી ઝોન-1ને સોંપી છે. પીએસઆઈ બોરીસાગર અને તેમની ટીમે આ ઘટનાની ઉલટ તપાસ શરૂ કરી છે જેમાં મૃતકના પરિવારજનોએ કરેલા આક્ષેપમાં આ મામલે ગોડાઉન માલીકની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કરાયો હોય ત્યારે એલસીબીની તપાસમાં ગોડાઉન માલિક શિવજી સામે પણ કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવશે. તેમજ આ ઘટનામાં કુવાડવા પોલીસની બેદરકારી સામે આવી હોય જેને લઈને પોલીસ કમિશ્નરે કુવાડવા પોલીસ સામેની ખાતાકીય તપાસ માટે એસીપી બારૈયા તપાસ સોંપી છે અને બે દિવસમાં આ અંગેનો રિપોર્ટ કરવા હુકમ કર્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કુવાડવા પોલીસના જવાબદાર સામે પગલાં ભરાશે.