સારવારનો ખર્ચ નહીં ચૂકવવાનું વીમા કંપનીને મોંધું પડ્યું; 1.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ
હૃદયની નળીઓની બીમારીની સારવારની મેડીક્લેઇમની પુરતી રકમ નહિ ચૂકવ્યાની વીમા કંપની સામેની ફરિયાદમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા સારવાર ખર્ચ 6 ટકા વ્યાજ સહિત ચૂકવી દેવા યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીને હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના પરેશ દાવડાએ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીની ફેમિલી મેડીકેર પોલીસી 2014થી 100 ટકા મેડિકલ રિસ્ક કવર સાથે લીધી હતી. દરમિયાન પરેશભાઈ દાવડાને છાતીમાં દુ:ખાવાના રિપોર્ટ કરાવાતા હદયની અમુક નળીઓ સુકાઈ ગયેલ હોય તેની બાયપાસ સર્જરી અમદાવાદ ખાતે ખાનગી હોસ્પીટલમાં કરાવવામાં આવી હતી. ત્યારબાદ પરેશભાઈએ સારવાર ખર્ચનું કલેઈમ ફોર્મ જરૂરી પેપર્સ સાથે વીમાકંપની મોકલી આપ્યું હતું. પરંતુ વીમા કંપનીએ જુદા જુદા કારણો ઉભા કરી કુલ સારવાર ખર્ચનો મેડીક્લેમ પૈકી રૂા.દોઢ લાખ ચુકવેલ ન હતા. જેથી પરેશભાઈએ વકીલ શુભમ પી. દાવડા મારફત ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતા ગ્રાહક તકરાર નિવારણ આયોગે વીમા કંપનીના કૃત્યને સ્પષ્ટ રીતે અયોગ્ય વેપાર નીતિ-રીતી અને એકટની કલમ 2(46) (6) અન્વયે ખોટુ, ભુલ-ભરેલું, ગેરકાયદેસરનું અને બદઈરાદાનું ઠરાવી ક્લેઇમમાંથી કપાત કરેલ રકમ રૂ.દોઢ લાખ 6 ટકા ચડતા વ્યાજ સાથે અને ફરીયાદ ખર્ચ રૂા.5000 ચુકવવા આદેશ કર્યો હતો.
આ કેસમાં ફરીયાદી વતી બાલાજી એસોસીએટસના શુભમ પી. દાવડા અને મિહીર પી. દાવડા રોકાયા હતા.