For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કહેવાતા પત્રકારના વિરોધમાં ગ્રામજનોની ભૂખ હડતાળની ચીમકી

04:39 PM Jul 29, 2024 IST | Bhumika
કહેવાતા પત્રકારના વિરોધમાં ગ્રામજનોની ભૂખ હડતાળની ચીમકી
Advertisement

રાજકોટ શહેર જિલ્લામાં કહેવાતા પત્રકારોનો રાફડા ફાટી નીકળ્યો છે. પીળુ પત્રકારિત્વ કરતાં અમુક શખ્સોએ બ્લેક મેઈલીંગનો ધંધો શરૂ કરી દીધો છે ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. કુવાડવા નજીક આવેલ વાંકવડ ગામે વરસાદના કારણે રસ્તો તુટી જતાં ગ્રામજનો જેસીબીની મદદથી રસ્તો રીપેર કરાવી રહ્યા હતાં ત્યારે કહેવાતા પત્રકારે વિડિયો બનાવી 3 લાખની માંગણી કરી ખાણખનીજને જાણ કરી જેસીબી ડીટેઈન કરાવી લીધાની કલેકટર સમક્ષ ગ્રામજનોએ રજૂઆત કરી છે અને જો જેસીબી નહીં છોડવામાં આવે તો ભૂખહડતાલની ચીમકી આપી છે.

કુવાડવા નજીક આવેલ વાંકવડ ગામના સરપંચ લાલજીભાઈ આગેવાન હમીરભાઈ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં આજે કલેકટર કચેરીએ ધસી આવ્યા હતાં અને કલેકટરને આવેદનપત્ર પાઠવી કહેવાતા પત્રકારના ત્રાસ અને બ્લેક મેઈલીંગમાંથી ગ્રામજનોને મુકત કરાવવા માંગણી કરતી રજૂઆત કરી છે.

Advertisement

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે વાંકવડ જવાના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોય સરપંચને આ બાબતે રજૂઆત કરતાં જેસીબી મંગાવી ગામનો રસ્તો રીપેર કરાવવાનું નક્કી થયું હતું અને રવિવારે ગામના તળાવ પાસેથી જ માટી લઈ જેસીબી દ્વારા ખાડા બુરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ કામગીરી ચાલુ હતી ત્યારે જ કહેવાતા પત્રકાર હાથમાં બંબુડુ લઈ વાંકવડ ગામે દોડી ગયા હતા અને જેસીબીનો ખનીજ ચોરી કરતો હોય તેવો વિડિયો બનાવી ડ્રાયવર પાસે 50 હજારની માંગણી કરી હતી પરંતુ ડ્રાયવરે પૈસા આપવાની ના પાડતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

કહેવાતા પત્રકારના ફોન પરથી પોલીસ કાફલો વાંકવડ ગામે દોડી ગયો હતો અને જેસીબી ડીટેઈન કરી લીધું હતું. જેની જાણ ગ્રામજનોને થતાં પોલીસ સ્ટેશને રજૂઆત કરવા દોડી ગયા હતા અને પોલીસને સાચી હકીકત જણાવતાં પોલીસે જેસીબી છોડી દીધું હતું. બાદમાં કહેવાતા પત્રકારે આ અંગે ખાણખનીજને જાણ કરી જેસીબી ફરી ડીટેઈન કરાવ્યું હતું અને ખાણખનીજ ખાતામાં સેટીંગ કરાવવું હોય તો 3 લાખ આપવા પડશે તેવી માંગણી કરી હતી.

કહેવાતા પત્રકારના બ્લેક મેઈલીંગના વિરોધમાં આજે ગ્રામજનો મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ ધસી આવ્યા હતાં અને કલેકટરને આવેદનપત્ર પાઠવી એક પણ રૂપિયાનો દંડ લીધા વગર જેસીબી મુકત કરવાની માંગણી કરવામાં આવી છે અને આ માંગણી નહીં સંતોષાય તો ગ્રામજનો કલેકટર કચેરી પાસે જ ભુખહડતાલમાં બેસી જશે તેવી ચીમકી આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement