ગેરેજ સંચાલકની માનવતા : કામધંધો પડતો મુકી ભૂલા પડેલા વૃદ્ધનું પરિવાર સાથે કરાવ્યું મિલન
સરનામા વગરની જિંદગીને સહી સરનામે પહોંચાડવાની અનેક સંસ્થા અને અનેક લોકો કામગીરી કરી રહ્યા છે. પોલીસ પ્રજાનો મિત્ર તે સ્લોગનનો છેદ ઉડ્યો હોય તેમ ભુલા પડેલા વૃદ્ધની મદદ માટે કલાકો સુધી પોલીસ નહીં આવતા ગેરેજ સંચાલકે માનવતા મહેકાવી હોય તેમ પોતાનો કામ ધંધો પડતો મૂકી ભૂલા પડેલા વૃદ્ધને હેમખેમ પોલીસ સ્ટેશને પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ભૂલા પડેલા ઘરના મોભીનું પુન:મિલન કરાવનાર ગેરેજ સંચાલકનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રૈયા રોડ ઉપર હનુમાન મઢી પાસે જુની કેન્સર હોસ્પિટલ પાસે એક વૃદ્ધ ભુલા પડતા રસ્તે રઝળી પડ્યા હતા.
રસ્તે રખડતા વૃદ્ધને જોઈ ત્યાં બાજુમાં આવેલ શિવશક્તિ ઓટો ગેરેજના સંચાલક અલ્પેશભાઈ પરમારે માનવતા મહેકાવી હતી અને વૃદ્ધની મદદ માટે પોલીસ કંટ્રોલમાં ફોન કરી વૃદ્ધ ભુલા પડ્યા હોવાની જાણ કરી મદદ માંગી હતી પરંતુ પોલીસ પ્રજાનો મિત્ર સ્લોગનનો છેદ ઉડ્યો હોય તેમ કલાકો સુધી પોલીસ ભૂલા પડેલા વૃદ્ધની મદદ માટે પહોંચી ન હતી. અને અંતે બે પોલીસ કર્મી બાઈક લઈને મદદ માટે પહોંચ્યા હતા. તે પહેલાં જ ગેરેજ સંચાલક કલ્પેશભાઈ પરમાર પોતાનો કામ ધંધો પડતો મૂકી ભૂલા પડેલા વૃદ્ધની મદદ માટે સંકલ્પ કર્યો હોય તેમ વૃદ્ધને આશ્વાસન આપી વૃદ્ધની પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન શહેરની ભાગોળે આવેલા અણીયાળી ગામના વતની હોવાનું જણાવતા ગેરેજ સંચાલક કલ્પેશભાઈ પરમારે તેના પરિવારનો સંપર્ક સાંધી પોતાના સ્કુટરમાં બેસાડી ગાંધીગ્રામ પોલીસ મથકમાં પહોંચાડ્યા હતા. વૃદ્ધનું પરિવાર સાથે પુન:મિલન કરાવનાર ગેરેજ સંચાલક કલ્પેશભાઈ પરમારનો પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.