સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સરકારે સહાયની રકમ વધારી
રાજકોટ સહિત ગુજરાતભરમાં બનતા ગુનાઓમાં પોલીસ માટે આરોપીઓને પકડવા સીસીટીવી કેમેરા આર્શિવાદ રૂપ સાબિત થતાં હોય અને જેમાં આરોપીઓની માહિતી પોલીસને મળતી હોય ત્યારે ગૃહવિભાગ દ્વારા સુરક્ષા સેતુ યોજના અંતર્ગત શહેર શહેરી વિસ્તાર તેમજ રહેૈણાંક વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે અગાઉ સરકાર દ્વારા કુલ ખર્ચના 30 ટકા અથવા રૂા.1.50 લાખ બેમાંથી જે ઓછી હોય તે રકમ આપવામાં આવતી હતી તે સહાયમાં સરકારે વધારો કરી હવે ગૃહ વિભાગે બે લાખ સુધીની રકમ અથવા 50 ટકા રકમ આપવાનો નિર્ણય લીધો છે.
ગૃહ વિભાગ દ્વારા જારી કરેલા નવા પરિપત્ર મુજબ રાજકોટ શહેર સહિત ગુજરાતના તમામ પોલીસ કમિશ્નર, ડીઆઈજી તથા જિલ્લા પોલીસ વડાને સંબોધીને લખાયેલા પત્રમાં જાણ કરવામાં આવી છે કે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા ઈચ્છતા શહેરી વિસ્તારનાં કોઈપણ સોસાયટી કે ટાઉનશીપમાં સીસીટીવી કેમેરા માટે બે લાખ અથવા કુલ ખર્ચના 50 ટકા બેમાંથી જે ઓછી રકમ હોય તે રકમ ફાળવવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા રાજકોટ શહેરના નાગરીકોને અપીલ કરી જે સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા ઈચ્છતાં હોય તેમણે પોલીસનો સંપર્ક કરવા અને આ સરકારી સહાયનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.