મનપાના પદાધિકારીઓની ગાડીના સાયરનનું ભૂત ધુણ્યું
કમિશનર સહિતની 14 કારમાં સાયરન, મેયર, ડે.મેયર અને સ્ટે. ચેરમેનને સાયરનની સત્તા હોવાનું તંત્રનું ગાણુ, છતાં આરટીઓમાંથી અભિપ્રાય મગાયો
શહેરમાં સાયરન વગાડતી ગાડીઓ નિકળે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. આથી નેતાઓ સહિતના પોતાની ગાડીમાં સાયરન લગાવવા માટે તલપાપડ થતાં હોય છે. ત્યારે યુનિવર્સિટીમાં સાયરન પ્રકરણ ગાજતુ થયું છે. અને હવે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની કારમાં લગાવવામાં આવેલ સાયરન કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. છતાં તંત્રએ કોર્પોરેશનની અલગ અલગ વિભાગ અને અધિકારીઓને મળેલ 14 સાયરન વાળી ગાડી પૈકી પદાધિકારીઓમાં મેયર ડે. મેયર અને સ્ટે. ચેરમેનને સાયરનની સત્તા છે તેમ જણાવી આરટીઓમાંથી અભિપ્રાય મગાયો હોવાનું ગાણુ ગાયું છે.
મહાનગર પાલિકાના પદાધિકારીઓને સરકાર દ્વારા ગાડી ફાળવવામાં આવે છે. જેમાં વર્ષોથી સાયરન લગાવવામાં આવ્યા છે. પદાધિકારીઓ પોતાનો વટ પાડવા શહેરમાં નિકળે ત્યારે અવાર નવાર સાયરન વગાડતા જોવા મળ્યા છે. પરંતુ આ મુદ્દે પ્રજા દ્વારા કોઈ જાતની પુછપરછ કે, વિરોધ આજ સુધી કરવામાં આવ્યો નથી. ત્યારે જ યુનિવર્સિટીમાં સાયરન પ્રકરણ ઉખડ્યું હોય પદાધિકારીઓને ફાળવવામાં આવેલ કારમાં સાયરન રાખવું કાયદેસર છે કે ગેરકાયદેસર તે મુદ્દો ફરી ઉછળ્યો છે.
વર્ષોથી મહાનગરપાલિકાના મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન, સાસકપક્ષના નેતા, શિક્ષણ સમિતિ ચેરમેન, ફાયર સમિતિ ચેરમેનને સાયરન વાળી કાર મળતી આવી છે જેમાં ગત વર્ષે દંડકનો ઉભરખો શાંત કરવા તેની ગાડીમાં પણ સાયરન ફીટ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે સમિતિઓના ચેરમેનો પૈકી ફાયર સમિતિના ચેરમેનની ગાડીમાં પણ સાયરન લગાવ્યાનું જાણવા મળેલ છે. જ્યારે હાલમાં વિરોધપક્ષ નથી છતાં વિરોધપક્ષની કારમાં પણ સાયરન રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે મનપાના કમિશનર અને ત્રણ ડેપ્યુટી કમિશનર તેમજ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર ઓફિસરની કારમાં સાયરન ફીટ કરવામાં આવ્યા છે. નિયમ મુજબ અધિકારીઓને મળેલી સાયરન વાળી ગાડીઓ કાયદેસર હોવાનું જાણવા મળેલ છે. પરંતુ પદાધિકારીઓ પૈકી દંડક અને શાસકપક્ષના નેતા તેમજ વિપક્ષી નેતા અને ફાયર ચેરમેનને મળેલી કારમાં સાયરન ફીટ કરેલ છે જે ગેરકાયદેસર હોવાનું હાલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
મનપાના પદાધિકારીઓની ગાડીઓમાં ફીટ કરેલ સાયરન ગેરકાયદેસર હોવાની ચર્ચા જાગી છે. આ મુદ્દે તંત્ર દ્વારા હાલ ત્રણ પદાધિકારીઓને આ મુજબની સત્તા મળી શકે તેમ જણાવી આરટીઓ પાસેથી વધારાનો અભિપ્રાય માગ્યો છે. જે આવ્યા બાદ પદાધિકારીઓ પૈકી કોને સાયરનનો લાભ મળશે તે જાણવા મળશે તેવી જ રીતે જો પદાધિકારીઓ પૈકી જે લોકોની કારમાં સાયરન લગાડવાનો નિયમ નહીં હોય તેમના સાયરન પણ ઉતરી જાય તેવું લાગી રહ્યું છે. હાલ યુનિવર્સિટી બાદ હવે મહાનગરપાલિકાના પદાધિકારીઓને પણ સાયરન મુદ્દે શું જવાબ આપવો તેની ગતાગમ પડતી ન હોય તંત્રના જવાબની રાહ જોઈ રહ્યાનું જાણવા મળેલ છે.
અનેક કોર્પોરેટરો પણ કારમાં છુપાવેલા સાયરનો વગાડે છે
મહાનગરપાલિકાના પદાધિકારીઓને આપવામાં આવેલ કારમાં સાયરન લગાવવું કાયદેસર છે કે, ગેરકાયદેસર તે મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે. જેનો જવાબ આરટીઓના અભિપ્રાય બાદ જાણવા મળશે પરંતુ જાણકારોના જણાવ્યા મુજબ અનેક કોર્પોરેટરો પોતાની કારમાં બોનેટની અંદદર સાયરન છુપાવીને રાખે છે અને ટ્રાફિક સમયે તેનો ઉપયોગ કરી વટ પાડી તેમજ ભય ઉભો કરી ગેરકાયદેસર રીતે પોતાનો રસ્તો કરતા હોવાનું જાણવા મળ્યું છે. આથી જો પદાધિકારીઓના સાયરન મુદદ્દે કાર્યવાહી કરવામાં આવે ત્યારે ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા કોર્પોરેટરોએ સાયરન લગાવેલી કારની પણ ચકાસણી કરવી જોઈએ તેવી ચર્ચા જાગી છે.
કુલપતિએ અંતે કાર ઉપરથી સાયરન હટાવી વિવાદ પૂરો કર્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોષીએ કાર ઉપર સાયરન લગાવ્યું હોવાથી વિવાદ સર્જાતા અંતે બે દિવસ બાદ તેમણે કાર ઉપરથી સાયરન ઉતારી લઈ વીવીઆઈપી કલ્ચરનો મોહ જતો કર્યો છે કુલપતિએ કાર ઉપર સાયરન ફીટ કરાવતા મીડિયામાં ભારે વિવાદ ચગ્યો હતો અનેતેમણે નિયમ અંગે અજાણતા વ્યક્ત કરી હતી.
કુંભ મેળા કૌભાંડ બાદ કારમાંથી મેયરના નામના પાટિયા ઉતરી ગયા
મનપાના મેયર નયનાબેન પેઢડિયા સરકારી ગાડી અને પ્રજાના પૈસે પ્રયાગરાજ કુંભમેળામાં ડુબકી લગાવવા ગયા બાદ આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે. ફક્ત રૂા. 2 પ્રતિ કિલોમીટરના ભાડાથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરી આવ્યા જેનો વિરોધ વિપક્ષો દ્વારા કરવામાં આવ્યો તેમજ કુંભ મેળામાં મેયરની ગાડી ઉપર કપાડા સુકવ્યા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ ભાઠે ભરાયેલા મેયરે આવતાવેત પોતાની ગાડી કોર્પોરેશનકચેરીમાં અજ્ઞાત સ્થળે મુકી પોતાના નામનું પાટિયુ પણ ઉતારી લીધું હોવાનું જાણવા મળેલ છે. ક્યા કારણોસર આ પગલું ભર્યુ તે જાણવા મળેલ નથી. છતાં વિરોધ ટાળવા માટે થોડા દિવસ મેયર પોતાના નામ વાળી ગાડીનો ઉપયોગ ન કરે તેવું ઉપરથી કહેવામાં આવ્યું હોય અને મેયરે ગાડી અજ્ઞાત સ્થળે મુકી દીધી હોય તેવી પણ ચર્ચા જાગી છે.