લોકમેળામાં રમકડાં, ખાણી પીણી, ચકરડી યાંત્રિક રાઈડસના ભાડામાં કરાયો વધારો
ગત વર્ષે રમકડાના 178 સ્ટોલ હતાં જે ઘટાડીને આ વખતે 120 કરાયા : ભાડામાં પણ 10થી 12 ટકાનો વધારો મંજૂર
રાજકોટના રેસગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે યોજાતા લોક મેળામાં આ વખતે ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને લોકોની સુરક્ષા માટે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે ગત વર્ષની સરખામણીએ નવું ભાવપત્રક અને સ્ટોલના કરવામાં આવેલા ઘટાડીની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ગત વર્ષે રમકડાંના 178 સ્ટોલ રાખવામાં આવ્યા હતાં જે ઘટીને આ વખતે 120 સ્ટોલ રાખવામાં આવ્યા છે. ગત વર્ષે રમકડાંના સ્ટોલનું ભાડુ 23000 રાખવામાં આવ્યું તું. જેમાં વધારો કરીને આ વર્ષે 40,000નું ભાડુ રાખવામાં આવ્યું છે.
ખાણી પીણીના નાના સ્ટોલો ગત વર્ષે 14 રાખવામાં આવ્યા હતાં.
જેનું ભાડુ પણ 32 હજાર હતું જે સ્ટોલમાં આ વર્ષે ઘટાડો કરીને આ વર્ષે માત્ર ખાણીપીણીના માત્ર આઠ જ સ્ટોલ રાખવામાં આવ્યા છે અને તેનું ભાડુ પણ 40,000 રાખવામાં આવ્યું છે. નાની ચકરડીના ગત વર્ષે 13 હજાર ભાડુ રાખવામાં આવ્યુ હતું. જેમાં આ વખતે વધારો કરીને 15000 કરવામાં આવ્યું છે. જ્યારે મધ્યમ ચકરડીના ગત વર્ષે 20 હજાર રાખવામાં આવ્યા હતાં જેનું ભાડુ આવખતે 25 હજાર કરી નાખવામાં આવ્યું છે. રમકડાંના સ્ટોલ અને ચકરડીના સ્ટોલ માટે ડ્રો સીસ્ટમ રાખવામાં આવી છે.આ ઉપરાંત ખાણીપીણીના મોટા સ્ટોલોમાં ગત વર્ષે બે સ્ટોલ રાખવામાં આવ્યા હતાં અને તેનું ભાડુ 40 હજાર રાખવામાં આવ્યું હતું. જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ ખાણીપીણાના સ્ટોલની સાઈઝ ઘટાડી નાખવામાં આવી છે.
જ્યારે યાંત્રિક રાઈડના પ્લોટના ભાડામાં પણ કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ તેની સાઈઝ ઘટાડી દેવામાં આવી છે. જ્યારે આઈસ્ક્રીમ પાર્લરના ભાડામાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ તેની સાઈઝ ઘટાડી દેવામાં આવી છે. જેની જાહેર હરરાજીથી વહેંચણી કરવામાં આવશે. જ્યારે સરકારી સંસ્થાઓ માટેના આ વખતે 13 પ્લોટ રાખવામાં આવ્યા છે અને તેનું ભાડુ 10 હજાર નક્કી કરવામાં આવ્યું છે. યાંત્રિક રાઈડસ, ખાણીપીણીના સ્ટોલ અને આઈસ્ક્રીમના ચોખઠાની અપસેટ પ્રાઈઝથી વધારે બોલી બોલનાર વ્યક્તિને આ પ્લોટની ફાળવણી કરવામાં આવશે. ખાણીપીણીના 27 સ્ટોલ, યાંત્રિક રાઈડસના 38 પ્લોટ, આઈસ્ક્રીમના ચોખઠા 11 અને એક ટી કોર્નર રાખવામાં આવ્યું છે. આમ કુલ 231 પ્લોટ ફાઈનલ કરવામાં આવ્યા છે.