રાઈડ્સ સંચાલકો ન આવે તો પણ મેળો યોજાશે
ખુલ્લી રહેતી જગ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતોત્સવ યોજાશે: કલેકટરનો પ્લાન બી તૈયાર
રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વખતે ચકડોળે ચડ્યો છે. કડક જઘઙના કારણે આ વખતે હજુ સુધી એક પણ રાઈડ સંચાલકે ફોર્મ ઉપાડ્યા નથી. ત્યારે તંત્ર દ્વારા રાઈડ સંચાલકો લોકમેળામાં ભાગ ન લે તો તેના માટે શું કરવું તે અંગેનો પ્લાન-બી લોકમેળા સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 123 જેટલા વિવિધ સ્ટોલધારકોએ ફોર્મ ઉપાડ્યા છે, જેમાંથી 24 જેટલા ફોર્મ જમા પણ થઈ ગયા છે.
આ જમા થયેલા ફોર્મમાં 10 રમકડાં, 3 ખાણી-પીણી, નાની ચકરડીના 2, તેનાથી નાની ચકરડીના 1, કોર્નરના 1, આઈસ્ક્રીમના 6 અને ટી-કોર્નરના 1 ફોર્મનો સમાવેશ થાય છે.
જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, જો લોકમેળામાં કોઈપણ રાઈડ સંચાલક ભાગ નહીં લે તો તેમના માટે પ્લાન-બી તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ પ્લાનમાં ખાસ કરીને, જો રાઈડ સંચાલકો ન આવે તો મેળાની જગ્યામાં 30 ટકા જેટલો વધારો થાય છે. આ વધારાની જગ્યામાં અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. જેમાં આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતોત્સવ સહિતના અન્ય કાર્યક્રમો અંગે વિચારણા કરવામાં આવી છે.
કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના લોકોને કોઈપણ ભ્રામક સમાચારમાં આવવું નહીં. રાજકોટનો લોકમેળો સારી રીતે ભણવા મળશે અને આ વખતે પણ ધામધૂમથી યોજાશે. રાઈડ સંચાલકો નહીં હોય તો પણ તંત્ર દ્વારા અન્ય આયોજન પણ કરી લેવામાં આવ્યા છે, જેથી મેળાની રોનક જળવાઈ રહેશે.
લોકમેળા સમિતિ દ્વારા મેળાના વિવિધ ટેન્ડરોની પ્રક્રિયા પણ શરૂૂ કરી દેવામાં આવી છે. જેમાં લાઈટિંગ, વીડિયો જાહેરાત સહિતના ટેન્ડરો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકમેળાને સફળ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.